વિજયસિંહ સોલંકી, ગોધરા (પંચમહાલ)
ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વાહક્જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ માટેની જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. પંચમહાલ જિલ્લામાં વાહક્જન્ય રોગચાળો અટકાવવા માટે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાને વર્ષ ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે જિલ્લામાં તા. ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ, તા. ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તેમજ સમગ્ર જુન માસને મેલેરિયા વિરોધી તથા જુલાઇ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેલેરિયા અંગે જન સમાજમાં વ્યાપક જનજાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૫૦ આરોગ્ય કેંદ્રો મારફત ૧૮ લાખ જેટલી વસતિને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે. જિલ્લામાં વર્ષ ૨૦૧૬ માં ૧૮૨૨ અને વર્ષ ૨૦૧૭ માં ૧૧૫૪ મેલેરિયાના કેસો નોંધાયા હતાં. પરંતુ મેલેરિયાથી એકપણ મૃત્યુ થયું નથી.
આગામી સમયમાં જિલ્લામાં મેલેરિયાને અટકાવવા માટે પોરા ભક્ષક માછલીઓ મૂકવા સહિત ગામડાઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. એટલું જ નહી પાણીનો ભરાવો ન થાય તેમજ ટાયરોમાં ચોમાસામાં પાણીનો ભરાવો ન થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી છે.
મેલેરિયા માટે ૧૦૪ ફીવર હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અમલિકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.