સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં આજરોજ રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તક નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અને નામાંકન કરાવવામાં આવ્યું હતું.
પંચમહાલના ગોધરા તાલુકાની ત્રણ શાળાઓની મુલાકાત લઇને તેમણે બાળકોને આવકાર્યા હતા. તેમણે ગોધરા તાલુકાની ગોલ્લાવ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા, નવલસિંહની મુવાડી પ્રાથમિક શાળા તથા દહિકોટ પ્રાથમિક શાળામાં હાજર રહીને બાળકોને નોટબુક, બેગ તથા ચોકલેટ આપીને સ્વાગત કર્યું હતું.આ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. તેમણે ગ્રામજનો તથા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ સાથે તેમણે બાળકોને તેડીને વ્હાલ કર્યા હતા તથા પોતાના પ્રવચનમાં બાળકોને પ્રેરણાદાયી વાર્તા સંભળાવી અને ગીત ગાઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી આજે ગામડાઓનો સર્વાંગી વિકાસ થયો છે. આજે સમગ્ર રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. બાળકોની શક્તિને બહાર લાવવા પ્રોત્સાહન અને સ્ટેજની જરૂર છે. બાળકોને પ્રેમ અને હૂંફની જરૂર છે.તેમણે શિક્ષકશ્રીઓને આહવાન કર્યુ હતું કે બાળકોને ગમ્મત સાથે શિક્ષણ આપવામાં આવે આ સાથે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર થકી આજે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, મિશન ફોર એક્સલેન્સ કાર્યક્ર્મ, એકલવ્ય અને મોડેલ સ્કૂલ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણના સ્ત્રોત ઉભા થયા છે. આજે સરકારશ્રીના પ્રયાસો થકી શાળામાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટયો છે તથા શાળામાં ૧૦૦% નામાંકન શક્ય બન્યું છે. રાષ્ટ્રના ઘડતર માટે આપણે સૌને શિક્ષણરૂપી ફાળો આપવો છે. તેમણે કોવિડના સમયને યાદ કરતા કહ્યું કે આવી કપરી પરિસ્થીતીઓમાં પણ સરકારે તમામ જરુરી પગલા ભર્યા છે. દેશમાં નિ:શુલ્ક વેક્સિનેશનથી આપણે સૌકોઈ સુરક્ષીત રહ્યા છીએ. કોવિડના સમયમાં પણ સરકારએ ઓનલાઈન શિક્ષણની સાથે શેરી શિક્ષણ માટે પગલા ભર્યા હતા. આ સાથે તેમણે સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓની પાયારૂપી માહિતી આપી હતી.
ગોધરા તાલુકાની ગોલ્લાવ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ૦૮ બાળકો આંગણવાડી તથા ૪૦ બાળકોનું ધોરણ-૧ માં નામાંકન, નવલસિંહની મુવાડી પ્રાથમિક શાળામાં શાળામાં ૦૪ બાળકો આંગણવાડી તથા ૧૬ બાળકોનું ધોરણ-૧ માં નામાંકન તથા દહિકોટ પ્રાથમિક શાળામાં ૦૬ બાળકો આંગણવાડી તથા ૪૫ બાળકોનું ધોરણ-૧ માં નામાંકન કરવામાં આવ્યુ હતું. આજ રોજ ત્રણેય શાળાના કુલ ૧૦૧ બાળકોનું ધોર-૦૧ અને ૧૮ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આજના આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના સદસ્યો, વિવિધ અધિકારીઓ/પદાધિકારીઓ અને મહાનુભાવો, બી.આર.સી કોર્ડિનર જિગ્નેશ પટેલ, ગામના સરપંચો, શાળાની એસ.એમ.સીના સભ્યો, વાલીગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી