વિજયસિંહ સોલંકી, હાલોલ
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા.૧૪મી એપ્રિલ થી તા. ૫મી મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કાતડિયા ગામની પસંદગી કરવામાં આવી છે.
ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવાનું આયોજન પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતુ.
કાતડિયા ગ્રામ પંચાયતના ગંગા તલાવડી ફળીયામાં પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, પદાધિકારીઓ, ભારત સરકારના પંચમહાલ જિલ્લાના નોડલ અધિકારી ડૉ. શેફાલી જુનેજા તથા અધિકારીઓએ ગામમાં ફળીયા, રોડ ઉપર સ્વચ્છતા અંગે સમુહ સફાઇ કામગીરી કરી હતી. મંત્રી જયદ્રથસિંહ પરમારે ગંગા તલાવડીમાં ઘન કચરા વર્ગીકરણ શેડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના હસ્તે શૌચાલય બાંધાકામ મંજુરીપત્રનું વિતરણ કરવા સાથે ગ્રામજનોને સ્વચ્છતા અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયતમાં સરપંચ તથા સભ્યો અને ગ્રામજનોને પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મિશન ઇન્દ્રધનુષ, વિધવા સહાય, વૃધ્ધ સહાય, સંકટ મોચન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા કાર્ડ યોજના, મા વાત્સલય યોજના જેવી વિવિધ યોજનાઓની જાણકારી નોડલ ઓફીસર ડૉ. શેફાલી જુનેજાએ આપી હતી તથા કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે મા કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થીઓને કાર્ડનું વિતરણ પણ કર્યું હતું.
સમાજમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવાય તે માટે પ્રભાતફેરી, નવયુવાનો દ્વારા સાયકલ-બાઇક રેલી યોજવામાં આવી હતી.