ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અને પંચમહાલ જિલ્લાનાં પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઘોઘંબા તાલુકા ખાતે બનેલ જીએફએલ આગ દુર્ઘટનાનાં ઈજાગ્રસ્તોની આજે સવારે મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ 4 કર્મચારીઓ હાલોલની મા સર્જિકલ હોસ્પિટલ ખાતે અને 2 દર્દીઓ વડોદરાની નાયક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
હાલોલ ખાતે દાખલ કર્મચારીઓની મુલાકાત લેતા કેબિનેટ મંત્રીએ તેમના સ્વાસ્થ્ય અને રિકવરી અંગે પૃચ્છા કરી હતી અને ઝડપથી સાજા થઈ જવા શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ ઈજાગ્રસ્ત થનારા કર્મચારીઓનાં પરિવારજનોની સાથે પણ સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યુ હતું. સારવાર કરી રહેલા ડોક્ટર વિજય પટેલ પાસેથી દર્દીઓને અપાઈ રહેલી સારવાર અને સ્વાસ્થ્યમાં થઈ રહેલ સુધાર અંગે મંત્રીશ્રીએ વિગતવાર માહિતી મેળવી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આગની દુર્ઘટના જ્યાં બની હતી, તે જીએફએલ કંપનીના ઘોઘંબા ખાતેનાં પ્લાન્ટની પણ સ્થળ મુલાકાત કરી હતી. કંપનીનાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી દુર્ઘટના બનવાના સંભવિત કારણો, દુર્ઘટનાનાં પગલે થયેલ નુકસાન, બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી.
મુલાકાત બાદ મંત્રીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 7 કર્મચારીઓ પૈકી જીતપુરા ગામના લક્ષ્મણભાઈ પરમારના પરિવારની મુલાકાત લઈ ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી. ઈનચાર્જ જિલ્લા કલેક્ટર અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લાનાં પોલિસ વડા ડો. લીના પાટિલ, પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી