હેડ કલાર્કની ભરતીમાં પેપર લીક થવાના સંદર્ભે ન્યાયની માંગણી સાથે પંચમહાલ “આપ” પાર્ટી દ્વારા તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની ભરતી માટે લેખીત પરીક્ષા લેવા બાબતે પ્રશ્ન પત્ર લીક થયું હોવાનું બહાર આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
તંત્રને આપવામા આવેલા આવેદનમાં જણાવ્યું છે કે, આ પશ્ન પત્ર લીક થવાના સંદર્ભે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભારે માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં અનેક પ્રકારની ભરતી પ્રક્રિયામાં પેપર લીક થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે પરંતુ તેની ઉપર કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા હોય તેવું અત્યાર સુધી જાણવા મળ્યું નથી.
ગુજરાતમાં લાખો યુવાનો વિવિધ પ્રકારની ભરતી માટે તન, મન અને ધનથી તૈયારી કરતા હોય છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ કે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયામાં બેદરકારી રાખી વ્હાલા દવલાઓને નોકરી અપાવવા લેખીત પરીક્ષામાં ગેરરીતિ કરવાના કિસ્સા છાસવારે બનતા આવ્યા છે અને લાખો યુવાનોને અન્યાય કરાય રહ્યો છે ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને માંગ કરવામાં આવી છે કે, હવે પછી તમામ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા જળવાઈ, તટસ્થ રીતે ભરતી પ્રક્રિયા થાય તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે તો, આમ આદમી પાર્ટી દ્વારા ભારે આંદોલન કરવામાં આવશે.
ગોધરા ખાતે જિલ્લા કલેકટરને તથા હાલોલ, કાલોલ, ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકાઓમાં મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોધરામાં મહિલા સંગઠન મંત્રી આનંદીબેન બારીઆ, હાલોલમાં તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, જાંબુઘોડામાં તાલુકા પ્રમુખ જયેશ બારીઆ, કાલોલમાં તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ, ઘોઘંબા યુવા નેતા ભરતભાઈ રાઠવાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કાલોલ અને હાલોલ તાલુકાઓમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યકરો સાથે રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી