પંચમહાલ જીલ્લાના શહેરા પરવડી વિસ્તારમાં લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં વરરાજાની બગીમા આતશબાજી કરતા આગની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ નજીકની દુકાનમાંથી આગ ઓલવાનો ફાયર સિલેન્ડર લાવીને આગ ઓલવી હતી.
શહેરા નગરમાં લગ્ન પ્રસંગે નીકળેલો વરઘોડો પરવડી વિસ્તારમાં અંબે માતાજીના મંદિર પાસે પહોંચ્યો હતો. બેન્ડમાં ગીત વાગતા ઘણા બધા લોકો ખુશીથી નાચતા હતા. ત્યારે આતશબાજી કરતા બગીના છતના ભાગ ઉપર અચાનક આગ લાગી હતી. બગીમાં આગ લાગતા અંદર બેઠેલ વરરાજા નાના ભૂલકાઓ અને અન્ય લોકો નીચે ઉતરી જતાં મોટી ઘટના બનતી અટકી હતી. જોતજોતામાં બગીના છત પર લાગેલ આગ વધુ પ્રસરી જતા ખુશીના આ પ્રસંગમાં વરરાજાના સગા સંબંધીઓ અને મિત્રોમા અફરાતફરીનો માહોલ સર્જાવા સાથે દોડધામ મચી જવા પામી હતી. જોકે નજીકની દુકાનમાંથી આગ ઓલવા માટેનો ફાયર સિલેન્ડર લાવીને આગ ઓલવી હતી. આ અચાનક લાગેલ આગમાં બગીને નુકશાન થવા સાથે ઘોડાઓનો પણ આબાદ બચાવ થયો હતો.
પંચમહાલ શહેરા રાજુ સોલંકી