ગોપાલપુરાના વૃધ્ધા કનૂબા ગોહિલની એક પુત્રી અને પુત્રનું નાની વયે અવસાન થયા બાદ પતિનું પણ 1999માં મૃત્યુ થયું હતું,બાદ ભદ્રવીરસિંહ છેલ્લા 20 વર્ષથી એમને પોતાની ઘરે લાવી સેવા ચાકરી કરી પુત્રની ગરજ સારી.
રાજપીપળા:હાલ સમયમાં પુત્રને લગ્ન થયા બાદ પોતાના માતા-પિતા અળખામણા લાગતા હોય છે.અને જેણે 9 મહિના દુઃખ વેઠી જન્મ આપ્યો એવી માં અને પાલક પિતાને અંતે વૃદ્ધાશ્રમમાં મોકલી આપી મા-બાપ અને પુત્ર વચ્ચેના સબંધને લજવતા કિસ્સાઓ બનતા હોય છે.ત્યારે હાલના કળિયુગમાં સતયુગના શ્રવણની યાદ અપાવે એવો કિસ્સો નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં બન્યો છે.જેમાં પોતાની પુત્રી-પુત્ર અને પતિને ગુમાવ્યા બાદ પરિવાર વિહોણી બનેલી એક વૃદ્ધાની ગામના જ એક યુવાને 20 વર્ષ સુધી માં તરીકે સેવા કરી તમામ જવાબદારીઓ ઉઠાવી અને એમની અંતિમક્રિયા પણ કરી.આ કિસ્સા પરથી એવું કહી શકાય કે નિઃસહાય બનેલા કનુબાના જીવનનો સહારો ભદ્રવીરસિંહ બન્યા.
નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના કનુબા દેવીસિંહ ગોહિલને એક પુત્રી અને એક પુત્ર હતો.જે અકાળે મૃત્યુ પામ્યા,બાદ અંતિમ આસરો રહેલા એમના પતિનું પણ વર્ષ 1999માં અવસાન થયું.તો પરિવાર વિહોણા બનેલા એ વૃદ્ધાને એકલા પડી ભાંગેલા જોઈ ગામના જ ભદ્રવીરસિંહ બળદેવસિંહ ગોહિલ એમની તમામ જવાબદારી ઉઠાવી કોઈ જ લાલશા વિના પોતાની ઘરે લઈ આવ્યા અને એક સગી માં જેવી જ સેવા ચાકરી કરી.હાલ જ 15મી એપ્રિલે 86 વર્ષની વયે એમનું મૃત્યુ થયું.કનુબા ભદ્રવીરસિંહને “ભદુભાઈ” ના હુલામણા નામથી બોલાવતા,તો અંતિમ ઈચ્છા એવી વ્યક્તિ કરી હતી કે મારા મૃત્યુ બાદ અંતિમ ક્રિયા ભદુભાઈ જ કરે,તો એ મુજબ જ ભદ્રવીરસિંહે એમની અંતિમ ક્રિયા પણ કરી.તો બીજી બાજુ કનુબા 2-3 મહિના સુધી પથારીવસ હતા એ દરમિયાન ભદ્રવીરસિંહના પત્ની રાજેશ્વરીએ પણ દિવસ રાત જાગી એમની તમામ સેવાઓ કરી.ટૂંકમાં અત્યારના સમયે પોતાના સાગા માં-બાપને હડધૂત કરતા સંતાનો માટે આ કિસ્સો બોધપાઠ લેવા સમાન છે.