પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીનાબેન અંસારીને 2 લાખ રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી છે. તેમની સાથે ત્રણ કરાર આધારિત કર્મચારીઓ ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
ફરીયાદી સરકારની જુદી જુદી યોજનાઓમાં કોન્ટ્રાકટરનું કામ કરે છે. જેઓને મનરેગાનું ટેન્ડર મળ્યું હતુ, જે અંતગૅત શહેરા તાલુકામાં સરકારના મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કુવાના તથા વોલના કામો માટે રો-મટીરીયલ્સ સપ્લાય કરેલું હતુ, જે પેટે તેમને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી મનરેગા યોજના હેઠળ રૂપિયા ૨,૭૫,૦૦,૦૦૦/- તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા ૧,૭૧,૦૦,૦૦૦/- ના બીલના ચેક મંજુર થયા હતા, જે આપવા માટે આ ચાર આરોપીઓએ મિલિભગત કરીને લાંચ માંગી હતી. આરોપીઓએ ફરિયાદીના બિલ પાસ કરવા માટે 4.45 લાખ રૂપિયાની લાંચ માંગણી કરી હતી જેમાં અંતે 2 લાખ રૂપિયા આપવા ફરિયાદી તૈયાર થયા હતા, પરંતુ તેમને એસીબીનો સંપર્ક કરીને એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવ્યુ હતુ. જેમા 1. હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક (કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી, શહેરા,પંચમહાલ (મનરેગા વિભાગ )2. કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી W.D.T એગ્રો(કરાર આધારીત), તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ 3. ઝરીના વસીમ અંસારી, તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-2 તાલુકા પંચાયત શહેરા, પંચમહાલ 4. રીયાઝ રફીકભાઇ મનસુરી, અધિક મદદનીશ ઇજનેર (કરાર આધારિત) તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ ઝડપાઈ ગયા હતા. એસીબીના હાથે ચાર સરકારી બાબુઓ ઝડપાતા શહેરામાં ચકચાર મચી જવા પામી હતી.
પંચમહાલ શહેરા રાજુ સોલંકી