કાનપુર ગામમાં ભ્રષ્ટાચાર બાબતે ગામલોકોની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ભ્રષ્ટાચારની તપાસ સમયસર નહીં થાય અને જવાબદારોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અરજદાર દિનેશ બારીઆ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામના નાગરિક દિનેશ બારીઆએ ગામલોકો સાથે સ્થળ પર તપાસ કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાયું છે.
ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો તથા વિવિધ ગ્રાન્ટ બાબતે માહિતી મેળવવા ગામના નાગરિક દિનેશ બારીઆએ જૂન મહિનામાં માહિતી અધિકાર અધિનિયમ એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી છે. ચાર મહિના જેટલો સમય વિતી ગયા છતાં હજુ સુધી પુરી માહિતી આપવામાં આવી નથી. તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા તથા જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ નાઓને પણ સમયાંતરે અપીલ અરજીઓ કરવામાં આવી છે. તા. ૧/૯/૨૦૨૧ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલને અપીલ અરજી સાથે સાથે ગામમાં થયેલા વિકાસના કામોની તપાસ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઇ જ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી અને ભ્રષ્ટાચારને દબાવી દેવાની તથા ભ્રષ્ટાચારીઓને બચાવવાની જવાબદારી મળી હોય તેમ જણાતા અરજદાર દિનેશ બારીઆએ આજરોજ કાનપુર ગામના નાગરિકોને સાથે લઈને સ્થળ તપાસ કરી હતી અને ગામલોકોની રજૂઆતો પણ સાંભળી હતી.
આવાસના કામો, સીસી રોડ, કેટલ શેડ, શૌચાલય, પેવર બ્લોક જેવા તમામ કામોમાં ગેરરીતિઓ જોવા મળે છે. જાણવા મળ્યા મુજબ કેટલાક ફળીયામાં જે કામો પેપર પર જ કરવામાં આવ્યા હતા તે કામો તાબડતોબ તાત્કાલિક ધોરણે ચાલું કરવામાં આવ્યા છે. તલાટી કમ મંત્રીને આ કામોના વર્ક ઑડર અને કામના મંજૂરી પત્રકો માંગવામાં આવતા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા અને કાલે આપીશ એવું જણાવવામાં આવ્યું. એક સામાન્ય નાગરિક ગામોમાં કરેલા વિકાસના કામો, આવેલ ગ્રાન્ટ બાબતે માહિતી અધિકાર અધિનિયમ એક્ટ હેઠળ માહિતી માગે અને તેમાંય જવાબદાર અધિકારીઓ દ્વારા માહિતી અપાવવા ઉદાસીન બને ત્યારે સ્વભાવિક સવાલ ઉભો થાય.
ત્યારે આજરોજ ગામના નાગરિક દિનેશ બારીઆએ ભ્રષ્ટાચારની તપાસ માટે તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા, જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ તેમજ જિલ્લા ગ્રામવિકાસ એજન્સી અને માહિતી આયોગમાં તપાસ કરાવવા અરજી કરવામાં આવી છે. આ તપાસ અરજી પર તા. ૨૦/૧૦/૨૦૨૧ સુધીમાં કાયદેસરની તપાસ કરવામાં આવે અને જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તા. ૨૦/૧૦/૨૦૨૧ સુધીમાં આ તપાસ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદાર કર્મચારીઓ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તા. ૨૦/૧૦/૨૦૨૧ પછી કોઈ પણ દિવસે, કોઇ પણ સમયે ગ્રામ પંચાયત કચેરી કાનપુર ખાતે આત્મવિલોપન કરવાની સૂચના તરીકે લેખીત રજુઆત જીલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, માહિતી આયોગ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ઘોઘંબા તથા ગૃહ વિભાગ ગાંધીનગરને ઇ-મેઇલ તથા વૉટસએપ મેસેજથી જાણ કરવામાં આવનાર છે.
આજે ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળે છે, નાગરિકો ફરિયાદ પણ કરે છે છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા તેની તપાસ જ ના થાય, સમય બરબાદ કરે, ભ્રષ્ટાચારીઓને બચાવે ત્યારે સામાન્ય નાગરિક આખરે શું કરે ? એવો સવાલ ઉભો કરી અરજદાર દિનેશ બારીઆએ આત્મવિલોપન કરીને ભોગ આપવાની તૈયારી કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી