શહેરા સ્થિત પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સરકારી દુકાનોમાં પહોંચાડવાને બદલે અંદાઝે ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ગરીબ કાર્ડ ધારકોના સરકારી અનાજ ઘઉં અને ચોખાની અંદાઝે ૧૪ હજાર જેટલી ગુણો સગેવગે કરવાના આ ચોંકાવનારા કૌભાંડની શહેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતાંવેંત ફરાર થઈ ગયેલા ઈન્ચાર્જ ડેપો મેનેજર કનૈયાલાલ રોતને અંતે ગોધરાના ડી.વાય.એસ.પી.સી.સી.ખટાણાએ વતન મેઘરજ ખાતેથી આજરોજ ઝડપી પાડતા હવે સરકારી અનાજ સગેવગે કરવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સામેલ ભલભલા અનાજ માફિયાઓની સિન્ડિકેટના ચહેરાઓ બેનકાબ થાય એવા એંધાણોના શ્રી ગણેશ આઠ મહિનાઓ બાદ શરૂ થવા પામ્યા છે.
શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો અનાજ માફિયાઓના સહારે બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અંદાજે ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ૧૩૧૨૭ બોરીઓ અને ચોખાની ૧૨૯૮ બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં મામલતદાર મેહુલ ભરવાડે તા.૨૦-૦૨-૨૦૨૧ના રોજ આપેલ ફરીયાદમાં ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત, (૨) ગોડાઉનમાં તપાસણી કરનાર સી.એ. ટીમના પ્રતિનિધી વિજય તેવર એન્ડ કંપનીના વિશાલ શાહ રહે.વડોદરા અને ડોર સ્ટેપ ડિલીવરીના કોન્ટ્રાકટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ નુરૂલઅમીન શેખ રહે. શહેરા સામે ગુન્હો દાખલ થતાં જ અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ગોધરાથી ગાંધીનગર સુધી બહુચર્ચિત બનેલા આ કરોડો રૂપિયાના સરકારી અનાજ કૌભાંડ સંદર્ભમાં ગોધરાના ડી.વાય.એસ.પી.ને તપાસ સુપ્રત કરવામાં આવી હતી. આ સાથે પોલીસ તંત્રની ધરપકડથી બચવા માટે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત છેલ્લા આઠ મહિનાઓથી આગોતરા જામીન માટે રઝળપાટ કરીને ભૂગર્ભમાં રહેલ આ કનૈયાલાલ રોત વતન પાસે મેઘરજ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરાના ડી.વાય.એસ.પી.સી.સી. ખટાણાએ અંતે ઝડપી પાડતા અનાજ માફિયાઓની સિન્ડિકેટમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે એમાં ડોર સ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટના એ ગોધરા અને શહેરના ભેજાબાજ ચહેરાઓ પુનઃ ભૂગર્ભમાં સરકી ગયા હોવાની ચર્ચાઓ છે.!!
પંચમહાલ રાજુ સોલંકી