રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિત્તે ગાંધી આશ્રમ, ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નેહરૂ યુવા કેન્દ્ર અને એન.એસ.એસ.ના સહયોગથી આ પ્રસંગે ગાંધી આશ્રમ ખાતેથી એક સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ જિલ્લામાં એક માસ ચાલનારા સ્વચ્છતા અભિયાનને પણ ઉપસ્થિત મહાનુભાવોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા પૂ. બાપુને અતિ પ્રિય એવા રઘુપતિ રાઘવ રાજારામ… ભજનની પ્રસ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નેહરૂ યુવા કેન્દ્રના શ્રી વિઠ્ઠલભાઈએ 1 મહિનો ચાલનારા ક્લીન ઈન્ડિયા કેમ્પેઈન વિષે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગંદકીમુક્ત ભારતનું ગાંધીજીનું સપનું સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાના ઘર, શેરી, ગામ-શહેર અને આસપાસના વિસ્તારને ગંદકીમુક્ત રાખવામાં પોતાની ભૂમિકા સમજી ગંભીરતાપૂર્વક પોતાની જવાબદારી નિભાવવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સરકાર ગંદકીમુક્ત સ્વચ્છ ભારતના નિર્માણ માટે જે પ્રયાસો કરી રહી છે તેમાં યોગદાન આપવાની દરેક દેશવાસીને ફરજ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે દેશની સેવા માત્ર સૈનિક બનીને જ નહીં પરંતુ સારા નાગરિક બની રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણની આવી પ્રવૃતિઓમાં સામેલ થઈને પણ કરી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે આજથી જિલ્લામાં સ્વચ્છતા કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. નેહરૂ યુવા કેન્દ્રની 13 ટીમો જિલ્લાના કુલ 130 ગામોમાં સરપંચ અને ગ્રામવાસીઓની સહાયતાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરશે તેમજ તેનો ઉપયોગ ન કરવા અંગે ગ્રામવાસીઓને સમજાવશે. ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ આ પ્રસંગે સ્વચ્છતા શપથ લીધા હતા. પ્રો. રૂપેશ નાકરે આ પ્રસંગે સ્વચ્છતા અને વ્યસન અંગેના ગાંધીજીના વિચારો અંગે વાત કરતા જણાવ્યું હતું કે બાપુએ સૂચવ્યા અનુસાર બીજાને સુધારવાનો પ્રયાસ કરવા કરતા પોતાની જાતને સુધારવા માટે આપણે ઈમાનદારીપૂર્વક પ્રયાસો કરીશું તો સમગ્ર વિશ્વમાં ઈચ્છિત બદલાવ આવશે જ.
બાપુના જન્મદિન નિમિત્તે આજે વ્યસનમુક્તિના ધ્યેયને પૂર્ણ કરવા ગાંધીઆશ્રમ ખાતે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કાર્યક્રમમાં બાપુના સ્વચ્છતા અને નશાબંધી અંગેના વિચારોને રસપ્રદ રીતે રજૂ કરતા એક ભવાઈ નાટકની સુંદર પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસવા, ગાંધી આશ્રમશાળાના આચાર્ય કાનજીભાઈ પટેલ, લોકકલાકાર બહાદુરભાઈ ગઢવી, મામા ફડકેના સ્મિતાબહેન, નશાબંધી અને આબકારી વિભાગના પારગી, નેહરૂયુવા કેન્દ્રના સ્વયંસેવકો તેમજ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી