આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લામાં એક જ દિવસમાં 1,48,500 જેટલાં લોકોને કોરોનાની રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે તેમ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ નિમિત્તે 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરનાર ગ્રામ પંચાયતના સરપંચને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. જિલ્લાના 264 જેટલા ગામમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે 125 જેટલા ગામમાં 100 ટકા રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા 550 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં 84 જેટલા મોબાઈલ યુનિટ પણ સામેલ છે.
આ નિમિત્તે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ વેક્સિનેશનના સેશન રાખવામાં આવેલ છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન અને તમામ બસ સ્ટેશન ઉપર પણ રસી મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે. લોકોની જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સઘન મહેનતથી જિલ્લાના 9.46 લાખથી વધુને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે જ્યારે 3.57 લાખ જેટલા લોકોને રસીનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલ રસીકરણના આંકડાઓ દર બે કલાકે લઇ ઇલેક્શન પધ્ધતિ પ્રમાણે વેક્શીનેશન ડ્રાઇવ કરવામાં આવશે. કોરોના વાયરસની સંપૂર્ણ નાબૂદી માટે રસીકરણ જ એકમાત્ર આખરી ઇલાજ છે ત્યારે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેમણે વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે અને બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ છે તેવા તમામ લાભાથીઓને બીજો ડોઝ લઈ લેવાની અપીલ પણ તેમણે કરી હતી. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના સ્લમ વિસ્તારમાં મંજૂર કરાયેલ દિનદયાળ કલીનીક પણ વડાપ્રધાનના જન્મદિનના શુભ અવસરે શરૂ કરવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી