આજના ડિજીટલ યુગમાં મોબાઈલ મારફતે ખેડૂતો કૃષિ સબંધિત વિષયો અંગે ખેડૂતોપયોગી માહિતી મેળવી તેનો ઉપયોગ ખેતીમાં કરી વધુ ઉત્પાદન અને આવક મેળવી શકે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ કચેરી, પંચમહાલ દ્વારા મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર,ગોધરાના સહયોગથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય પાક એવા મકાઈની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિને આવરી લઈ ડાયલ આઉટ ઓડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી જેમાં પંચમહાલ જિલ્લાના સાતેય તાલુકાના ફાર્મર ફ્રેન્ડ/ખેડૂતમિત્રો દ્વારા 1000 થી વધુ ખેડુતોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમ્યાન મકાઈની નવીન જાતો, મૂલ્યવર્ધિત જાતો અંગે ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ ડૉ.પિનાકીન પરમાર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મકાઈની ખેતીમાં વાવેતરનો સમય, અંતર, બિયારણ દર, ખાતર વ્યવસ્થાપન, પિયત જેવા વિવિધ મૂંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ કનુભાઈ પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા તેમજ બાયો ફર્ટિલાઈઝર અને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયેલ ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ ફોલ આર્મી વર્મ તેમજ રોગ અને જીવાત નિયંત્રણ અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ ડૉ ડી.એમ.રાઠોડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રીલાયન્સ ફાઉન્ડેશનના ભાવેશભાઇ પટેલ અને આત્મા પ્રોજેક્ટ વતી ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી યોગેશ જી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી