ઘોઘંબા તાલુકાના મામલતદાર કચેરી પાસે મુખ્ય સડક માર્ગ પર ત્રણ રસ્તા ભેગા થાય છે. એક ઘોઘંબા તરફ, બીજો પાવાગઢ તરફ તથા ત્રીજો દેવગઢ બારીયા તરફ રસ્તાઓ જાય છે. આ ત્રણ રસ્તા પર કાયમ ટ્રાફિક જામ થાય છે, વાહનોની અવરજવર પણ રહે છે. આ ત્રણ રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કોઈ સગવડ નથી. સમાયંતરે વારંવાર આ ચોકડી ઉપર અકસ્માત થાય છે. નજીકમાં મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી, વિદ્યુત કચેરી, શાળા, આઇટીઆઇ વગેરે આવેલી છે જેથી મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓની પણ અવરજવર રહે છે અને ટ્રાફિકની ખુબ મુશ્કેલીઓ પડતી હોવાનું જણાય છે ત્યારે અહીં બનતા અકસ્માતના બનાવો અને જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા તાત્કાલિક ઉપાય કરવો જરૂરી છે. જેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા માન. કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે કે, આ ત્રણ રસ્તા પર સર્કલ બનાવવામાં આવે અને આ સર્કલનું નામ ઘોઘંબા (ગોઠ) જેમની જન્મભૂમિ છે, ઘોઘંબાની વિશેષ ઓળખ અને ગૌરવ છે તેવા ગુજરાતી સાહિત્યના કવિ અને લેખક જયંત પાઠકના નામ પર રાખવામાં આવે અને સર્કલનુ નામ “કવિ જયંત પાઠક સર્કલ” તરીકે રાખવામાં આવે એવી રજૂઆત જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કરી છે.
તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ કવિ જયંત પાઠકની ૧૦૧ મી જન્મજયંતિ છે. જેઓની ઘોઘંબા તાલુકામાં કાયમ યાદગીરી રહે, તેઓનું કાયમ સન્માન જળવાય તે હેતુથી આ સર્કલ પર તેઓનું સ્મારક બનાવવા પણ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આયોજન છે. તેવી રજૂઆત સાથે આપના માર્ગ અને મકાન વિભાગ તરફથી આ સૂચિત સર્કલ પર જગ્યા આપવામાં આવે તો તા. ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ તેમની ૧૦૧ મી જન્મ જયંતીના રોજ તેઓનું સ્મારક ખુલ્લું મુકી ભવ્ય રીતે, જન્મ જયંતી ઉજવવા આમ આદમી પાર્ટી આયોજન કરશે તેવી વિનમ્ર વિનંતી કરી માંગ કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી