પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની આગેવાનીમાં જિલ્લા કલેકટરને ખેડૂતોના પ્રશ્ને સહયોગ આપવા આવેદનપત્ર આપી વિવિધ રજૂઆતો સાથે માંગ કરવામાં આવી છે.
આવેદનમા જણાવાયુ છે કે પંચમહાલ જિલ્લામાં હાલની ચોમાસાની સિઝનમાં સમયસર વરસાદ ન થતા અને અનિયમિત વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની ખૂબ જ કપરી પરિસ્થિતિ વચ્ચે પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ હાલની સિઝનમાં સારા પાકની આશા અપેક્ષા એ મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું, પરંતુ નહિવત વરસાદ થતાં પાક સુકાઈ જવાથી પંચમહાલનો ખેડૂત ચિંતિત બન્યો છે. મોંઘા ભાવનું બિયારણ ખાતર, પાણી, ખેત મજૂરીનુ રોકાણ કરીને આશા સાથે કરેલુ વાવેતર નિષ્ફળ જતા ઉપરાંત જિલ્લામાં દિવસમાં વીજળી, પાણી વ્યવસ્થાઓનો અભાવ જેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતો દેવામાં ડૂબી જવાથી કોઈ આશાનું કિરણ દેખાતું નથી. આ સંજોગોમાં ખેડૂતોને આર્થિક સહયોગ માટે સમયસર પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે,આવેદન પત્ર આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરી વાલા, ઉમેશ શાહ, ગણપત પટેલ, રાજેશભાઈ હડિયલ, નરસિંહભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી