સામાન્ય રીતે સ્ત્રી અત્યાચારના મામલાઓમાં લગ્ન બાદ દહેજ અને અન્ય બાબતોની માંગણીને સાસરિયા દ્વારા નવોઢા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદો જોવા મળતી હોય છે. જો કે, પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વહુના ત્રાસથી સાસુએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વહુ સામે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુ ધનીબેન એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે શહેરા પોલીસ મથકે વહુ સામે ફરીયાદ દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જો કે સાસુના ઘરવાળાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છોકરાની વહુએ અમારી છોકરીને મારી નાંખી છે આ આક્ષેપના આધારે શહેરા પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.
પાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના લાભી ગામે રહેતા કાળુભાઈ અને તેમના પત્ની ધનીબેન ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ સંતાનો છે જેમાં મોટા સંતાનમાં દીકરો ગિરીશ છે જેના લગ્ન સાંપા ગામની જયોત્સના સાથે થયા હતા. કાળુભાઈની દીકરી વર્ષા પણ સાસરી માંથી પોતાના પિયર લાભી ગામે આવી હતી. તે સમયે વર્ષાના માતા ધનીબેન જમવાનું બનાવતા હતા. ત્યારે ગિરીશની વહુ જ્યોત્સના અપશબ્દો બોલવા લાગી હતી.જેથી કાળુભાઈએ કહ્યું હતું કે, અપશબ્દો ના બોલો ઘરે મહેમાન આવેલા છે તેથી જ્યોત્સના વધુ ઉશ્કેરાઈ જઈને તેમના પિયરના પક્ષને બોલાવ્યા હતા. ત્યાર બાદ કાળુભાઈ ઘરની બહાર નીકળી ગયા તે સમયે વર્ષા પણ પોતાના પિતાની પાછળ પાછળ ગઈ હતી. આ સમયે જયોત્સનાના પિયર પક્ષના માણસો આવી ગયા હતા. તેમજ વર્ષાબેન પાછા ઘરે આવતા માતા ધનીબેન જોવા મળ્યા ન હતા. જેથી ઘરમાં તપાસ કરતા ધનીબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
તે વખતે વર્ષા દોડીને પકડવા જતા જયોત્સના એ દરવાજો બંધ કરી દીધો હતો. બચકું ભરીને તેના પિયર પક્ષના લોકો સાથે ભાગી ગઈ હતી. આ અંગે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યોત્સનાબેનના પિયર પક્ષના લોકો ઉપર ધનીબેનને મારી નાંખી હોવાનો આક્ષેપ ધનીબેનના સગાસંબંધીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.