વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ઉદીત અગ્રવાલે નગરપાલિકા, ગોધરાના નહેરૂબાગના પુ:ન નિર્માણ કામોની આજરોજ મુલાકાત લીધી હતી અને સમગ્ર નહેરૂબાગમાં ફરી પુ:ન નિર્માણ કામો અંગે તલસ્પર્શી વિહંગાવલોકન કર્યું હતું. અગ્રવાલે પુ:ન નિર્માણ કામોના નકશાનો પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી કેટલાક બહુમૂલ્ય સૂચનો પણ કર્યા હતાં. જેમાં મ્યુનિસિપલ બાગના મુખ્ય દરવાજાની રજવાડી ડીઝાઇન કરવા, ઓપન એર જીમ્નેશીયમનું પુરૂષ/સ્ત્રી માટે અલગ આયોજન, ગજીબોનું આયોજન, એમ્પી થીયેટરને રીનોવેશન કરવાનું તથા એમ્પી થીયેટરનો ઉપયોગ પ્રોજેક્ટર પર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત રોક-ગાર્ડન તથા વોટરફોલ બનાવવાનું, બાળકો માટે વિવિધ રમત-ગમતના સાધનોનું આયોજન, બાગના ફરતે સીતા સાગર તળાવના ફરતે વૉક વે ને સુધારણા કરવાનું, બગીચામાં પ્લાન્ટેશન/લેન્ડ સ્કેપીંગ કરવા, સિનિયર સીટીઝન માટે અલાયદી જગ્યા રાખવા માટે પણ તેમણે જણાવ્યું હતું. બગીચામાં આવતાં મુલાકાતીઓ સંગીતનો આનંદ માણી શકે તે માટે મ્યુઝિક સીસ્ટમ રાખવા સૂચવ્યું હતું. આ ઉપરાંત બાગમાં કાયમી ધોરણે સીક્યુરીટી રાખવા અને સુચન પેટી (Suggestion Box) રાખવા જેવા બહુમૂલ્ય સૂચનો કર્યાં હતાં
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિધ્યાબેન હરવાણી, મુખ્ય અધિકારી એ.આર. પાઠક, બાગ નિર્માણના નોડલ અધિકારી ડે. એન્જીનિયર ભદ્રેશ પંડ્યાએ નગરપાલિકાના વિકાસ કામોમાં ખાસ કરીને મહત્વાકાંક્ષી એવા નહેરૂબાગના પુ:ન નિર્માણમાં વિશેષ રૂચી દાખવવા તથા બહુમૂલ્ય સૂચનો આપવા બદલ જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.