પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયાની જૂનાગઢ ખાતે બદલી થતા ગોધરા કલેક્ટર કચેરી ખાતે વિદાય-સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે નિવાસી અધિક કલેક્ટર બાંભણિયા સાથે ખૂબ ટૂંકા સમય માટે કામ કરવા મળ્યું છે પરંતુ એ ટૂંકા સમયગાળો પણ તેમના સહદયી, લાગણીશીલ, પરગજુ, સદાય આનંદી અને ઉર્જાથી ભરપૂર વ્યક્તિત્વનો પરિચય થવા માટે પૂરતો છે. મહેસૂલ પરિવારના કર્મચારીઓ-અધિકારીઓએ બાંભણિયાના વિદાય પ્રસંગે આપેલ પ્રતિભાવોને ટાંકતા કલેક્ટરએ જણાવ્યું હતું કે વ્યક્તિની વ્યવસાયિક કાર્યશૈલી અને અંગત સ્વભાવ બંનેની પ્રશંસા થાય ત્યારે તે વ્યક્તિ અધિકારી તરીકે તો ખરી જ પણ માનવી તરીકે પણ સફળ થઈ ગણાય.
તે રીતે નિવાસી અધિક કલેક્ટરના પંચમહાલ જિલ્લામાં વીતાવેલ 11 માસના કાર્યકાળને સફળ ગણાવતા તેમણે રેવન્યુ પરિવારના વડા તરીકે બાભણિયાને નવા પોસ્ટિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ અને પોલિસ અધિક્ષક ડો.લીના પાટિલે પણ બાંભણિયા સાથે કામ કરવાના સંસ્મરણો વાગોળતા ઋજુ હદયના આ અધિકારીને પંચમહાલ જિલ્લો હંમેશા પ્રેમપૂર્વક યાદ રાખશે તેમ જણાવ્યું હતું. બાંભણિયાએ પોતાના વિદાય પ્રસંગે સૌ અધિકારીઓ-કર્મચારીઓનો ભાવભીની વિદાય આપવા બદલ આભાર માનતા જિલ્લામાં પોતાના 11 માસના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવો, પોતાની કાર્યશૈલી, સિંદ્ધાતો વિશે વાત કરી હતી. અધિકારીઓ ભલે બદલી થઈને જાય પરંતુ તેમણે શરૂ કરેલા લોકાપયોગી પ્રોજેક્ટસ યથાવત ચાલુ રહેવા જોઈએ તેમ જણાવ્યું હતું. પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ, અધિક ચિટનીસ ભરતભાઈ દરજી, મામલતદાર મેહુલ ભરવાડ, નાયબ મામલતદારઓ ડો. મનહર સુથાર, એસ.પી. ફાર્મર સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ બાંભણિયા સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. સૌએ કોવિડ દરમિયાન સંકલનની તેમની કામગીરી, કર્મચારીઓ પ્રત્યેના સંવેદનશીલ વ્યવહાર, સૌમ્ય વ્યક્તિત્વ, ભાષા-વહીવટ પર તેમની પકડ સહિતના તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનો પરિચય આપતા તેમને પ્રશ્નોનો નિકાલ નહીં પણ ઉકેલ લાવનારા અધિકારી તરીકે વર્ણવ્યા હતા. તેમના દ્વારા રચાયેલી કેટલીક કવિતાઓ પણ આ પ્રસંગે રજૂ થઈ હતી. કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક-અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ બાંભણિયા ઉના મામલતદાર, રાજકોટ ડભોઈ જામનગરના નાયબ ક્લેકટર-પ્રાંત અધિકારીશ્રી તરીકે, બનાસ કાંઠાના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ પંચમહાલ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર તરીકે બદલી પામ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી