પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત થયેલા ચોખામાં એક અરજદાર દ્વારા પ્લાસ્ટિકના ચોખા મળ્યા હોવાની ફરિયાદ અંગે જિલ્લા પુરવઠા વિભાગ અને પુરવઠા નિગમ દ્વારા થયેલ વિસ્તૃત તપાસને અંતે આ ફરિયાદ ખોટી પુરવાર થઈ છે.
ગાંધીનગર ખાતેથી પુરવઠા નિગમ તરફથી બે સદસ્યોની એક ટીમે જિલ્લાની મુલાકાત લઈ વરિષ્ઠ સ્થાનિક અધિકારીઓ સાથે મળી આ અંગે સઘન તપાસ હાથ ધરી હતી અને તે ચોખા પ્લાસ્ટિકના નહીં પરંતુ ફોર્ટિફાઈડ રાઈસ (પોષકતત્વો ઉમેરેલા ચોખા) હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર પુરવઠા નિગમના મેનેજર એચ.એમ ત્રિવેદી અને ફૂડ રિસર્ચ લેબોરેટરીના ટેકનિકલ ઓફિસર જીએમ દરબારની ટીમે સંબંધિત દુકાન અને ગોડાઉનમાંથી ચોખાના સેમ્પલો લઈ સ્થળ પર વિવિધ ચકાસણીઓ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે અરજદાર દ્વારા વ્યક્ત કરાયેલ શંકા મુજબ જો દાણા પ્લાસ્ટિકના હોય તો તેમને ઉકાળવા સહિતની પ્રક્રિયાઓમાંથી પસાર કરવા પર તે સામાન્ય ચોખા કરતા અલગ રીએક્શન આપે છે, જ્યારે પરીક્ષણ કરાયેલ દરેક સેમ્પલ પરીક્ષણના અંતે સામાન્ય ચોખા જેવા જ રીએક્શન આપ્યા હતા. સઘન પરીક્ષણના અંતે આ ચોખા પ્લાસ્ટિકના ન હોવાનું અને અગાઉ જણાવ્યા અનુસાર ફોર્ટિફાઈડ રાઈસ જ હોવાનું જાહેર કર્યું હતું. ફોર્ટિફાઈડ ચોખાના દાણા વિટામીન બી 9, બી 12 અને આર્યન એમ ત્રણ માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવે છે. આ પોષકતત્વો ધરાવતા ચોખા સાદા ચોખામાં દર 100 કિલોએ 1 કિલો ઉમેરીને લાભાર્થીઓને વિતરિત કરવામાં આવે છે. ફોર્ટિફાઈડ કરાયેલ ચોખાના દાણાનો રંગ અને આકાર સહેજ અલગ હોય છે, જેથી તે સામાન્ય ચોખા કરતા અલગ દેખાઈ આવે છે. ટીમે ગોધરા અને શહેરા ગોડાઉન ખાતેથી નમૂના મેળવી ચકાસણી કરી હતી. સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ દૂર થાય અને પોષકતત્વોની ઉણપથી થતા રોગો સામે રક્ષણ મળી રહે તે હેતુ થી પ્રથમ ફોર્ટિફાઇડ લોટ અને હવે ફોર્ટિફાઇડ રાઈસનું વિતરણ લાભાર્થીઓ માટે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી