જિલ્લા કલેક્ટર અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 32 (2) હેઠળ મળેલ સત્તાની રૂએ ગોધરા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ કરાવવા માટે સામાન્ય સભાની બેઠક બોલાવવા ગોધરા નગરપાલિકા માટે નાયબ કલેક્ટરશ્રી, ગોધરા પ્રાંત તેમજ શહેરા નગરપાલિકા માટે નાયબ કલેક્ટર, શહેરા પ્રાંતને અધ્યાસી અધિકારી તરીકે નિમણૂક કરતો હુકમ કરવામાં આવ્યો છે.
તા. 17 માર્ચ, 2021ના રોજ સવારે 11.00 કલાકે શહેરા નગરપાલિકાની સામાન્ય સભા શહેરા નગરપાલિકાના સભાખંડમાં તેમજ ગોધરા નગરપાલિકાની સામાન્ય સભા સરદાર નગરખંડ, ગોધરા ખાતે યોજાશે. ગોધરા નગરપાલિકાના પ્રમુખની જગ્યા માટે પ્રમુખ તરીકે સામાન્ય (જનરલ) ઉમેદવાર અને શહેરા નગરપાલિકાના પ્રમુખની જગ્યા માટે અનુસૂચિત આદિ જાતિ (એસ.ટી.) નો રોસ્ટર લાગુ પાડવાનો થાય છે. આ હોદ્દાની મુદત અઢી વર્ષની ટર્મ માટે રહેશે. ગોધરા નગરપાલિકાના 44 અને શહેરા નગરપાલિકાના 24 ચૂંટાયેલા સભ્યો સહિત સંબંધિત વ્યક્તિઓને આ બાબતની નોંધ લઈ ઉપરોક્ત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા આ હુકમમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી