અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે તા. ૭ માર્ચ થી ૯ માર્ચ, 2021 સુધી કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ત્રણ દિવસનો ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ વર્ષ ૨૦૨૧ યોજાયો હતો. જ્યાં ખેડૂતો દ્વારા જુદા-જુદા ઓર્ગેનિક શાકભાજી, ધાન્યપાકો અને કઠોળ સહીતના ઉત્પાદનોના સીધા વેચાણ માટે જુદા-જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
જેમાં પંચમહાલ જીલ્લાના આત્મા પ્રોજેક્ટ કચેરી સાથે સંકળાયેલા ગોધરા અને કાલોલ તાલુકાના બે ખેડુતોએ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલ ધાન્ય પાકોમાં દેશી ચોખા અને તેનો લોટ, બાજરી, કઠોળ પાકમાં ચણા અને મગ તથા શાકભાજીમાં લીલી તુવેર, લીલી મકાઇ, વાલોળ જેવા ઉત્પાદનો સ્ટોલમાં વેચાણ અર્થે મૂક્યા હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમના સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો અંગે જાણકારી મેળવી પ્રોત્સાહન આપ્યું હતું. માત્ર બે દિવસમાં જ આ ખેડૂતોની તમામ ખેત પેદાશો અને શાકભાજીનું સંપૂર્ણ વેચાણ થઇ ગયુ હતું અને ખેડુતોને સામાન્ય કરતા વધારે પ્રમાણમાં નફો મળ્યો હતો. આ ખેડુતોએ ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં આવેલ અન્ય ખેડુતો સાથે બજાર વ્યવસ્થાની તેમજ ખેતપેદાશોના ગ્રેડીંગ અને મૂલ્યવર્ધિત પેદાશો માટે ચર્ચા કરીને આગામી સમયમાં યોજાનાર આ પ્રકારના ખેડુતલક્ષી કાર્યક્રમમાં જિલ્લાના મહત્તમ ખેડુતોને આવરી લઇને સીધા ગ્રાહકોને વેચી શકે તે પ્રમાણે આયોજન કરીને ગ્રાહકોને રસાયણ મુક્ત અને પૌષ્ટિક ખેતપેદાશો પૂરી પાડવા માટે આયોજનની તૈયારી હાથ ધરી છે.
પંચમહાલ રાજુ સોલંકી