આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાના મહાત્મા ગાંધી હોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી-ગોધરા, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને સંકલિત બાળ વિકાસ અધિકારી જાંબુઘોડાના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.
માજી જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કેતુબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલા 11 જેટલા મહિલા પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી સુશ્રી દેસાઈએ વિશ્વ મહિલા દિવસનુ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂંઘટમાં જોવા મળતી મહિલાઓ આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં સ્વમાન ભેર ચુંટાઈ આવી સમાજના પ્રશ્નોનો, સમસ્યાનો અવાજ બની ઘરની બહાર નિકળી વિકાસના કાર્યોમાં મહત્વનું યોગદાન આપી રહી છે. તેમણે નારી ઉત્થાન માટે શિક્ષણનું મહત્વ, સામાજિક જાગૃતિ અને સ્થાનિક સ્તરે વ્યકિતત્વ વિકાસ અને આજીવિકા મળી રહે જેવી બાબતો અંગે માર્ગદર્શન આપી ઉપસ્થિત મહિલાઓની સિદ્ધિઓને બિરદાવી હતી. મહિલા અને બાળ અધિકારી આર.એ.ચૌધરીએ આ પ્રસંગે મહિલાલક્ષી યોજનાકીય બાબતો, કાયદાકીય હક્કો અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
181 અભયમના કાઉન્સિલર પુનમ બેને 181 અભયમની ઉપયોગિતા અને એપ્લીકેશન સંબંધી બાબતો તથા સખી વન સ્ટોપ સેન્ટરના કલ્પનાબેન જાધવે સેન્ટર પર 24*7 આપવામાં આવતી મહિલાલક્ષી સેવાઓથી શ્રોતાગણને માહિતગાર કર્યા હતા. મહિલા શકિતના ભાગ્યશ્રી બહેન દ્વારા પણ આ પ્રસંગે સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી જાંબુઘોડા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકાના 77 જેટલા વ્હાલી દિકરી યોજનાના હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી