Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અમિત અરોરાની અધ્યક્ષતામાં ૧૧ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ.

Share

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હૉલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદી તૈયાર કરવા સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનાર સેકટર ઑફિસરશ્રી અને બી.એલ.ઓ. સહિતના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરવા ઉપરાંત યુવા મતદારોને આવકારવામાં આવ્યા હતા.

તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ‘બને સૌ મતદાર સશક્ત, સુરક્ષિત અને જાગૃત’ થીમ પર ઉજવાયેલા ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યજી, રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ અને મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ. મુરલીક્રિષ્ના સહિતના મહાનુભાવો ઈ-કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સાથે જ કેન્દ્રના મુખ્ય નિર્વાચન આયુક્તશ્રી સુનિલ અરોરા દ્વારા ઈ-માધ્યમથી રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
યુવા મતદાતાઓમાં મતદાન માટેની જાગૃતિ અંગે આનંદ વ્યક્ત કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં અલગ અલગ પ્રદેશોની સાંસ્કૃતિક અને સામાજીક વિવિધતાઓને એક સાથે આવરી લઈ નિષ્પક્ષ ચૂંટણી દ્વારા ચૂંટણી આયોગ પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યું છે. ત્યારે મતદારોએ કોઈ ભય, દબાણ કે લાલચ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

આ પ્રસંગે રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી સંજય પ્રસાદ અને મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ. મુરલીક્રિષ્ના દ્વારા મતદારોની જાગૃતિ, ટેક્નોલોજીના ઉપયોગ અને ચૂંટણી આયોગની કામગીરી સહિતની બાબતો પર વિસ્તારથી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ વર્ચ્યુલી જોડાયા હતા.
પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ પ્રસંગે મતદાર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આપણા બંધારણે નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય ઉંમરના આધારે તમામને મતદાનના અધિકારો આપ્યા છે. વ્યક્તિ ૧૮ વર્ષનો થાય ત્યારે મતદાર યાદીમાં નામ નોંધાવી આ હક પ્રાપ્ત કરી શકે છે. તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબુત બનાવીએ. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સફળ અને સર્વસમાવેશી લોકતંત્રમાં જાગૃત મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અદા કરવા જાગૃત બને તે છે. ભારતની ચૂંટણી પ્રક્રિયા અન્ય લોકતાંત્રિક દેશોમાં પણ ઉદાહરણરૂપ છે તેનું સૌથી મહત્વનું કારણ છે તેની નિષ્પક્ષતા. ચૂંટણીની તમામ પ્રક્રિયા માટે વિસ્તારથી નિયમો બનાવવામાં આવ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થનાર કર્મચારી-અધિકારીઓ પણ પોતે મતદાતાઓ છે. કલેકટરે ઉમેર્યું કે યુવા મતદાર પોતાના મતદાનના હક્ક પ્રત્યે જાગૃત અને પ્રોત્સાહિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચૂંટણી સમયે આચારસંહિતાના સુચારૂ પાલન માટે વહિવટી તંત્ર કટીબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સમય સાથે મતદારોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે પંચ દ્વારા ઈ-એપિક લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વેબસાઈટ પર મુકવામાં આવી છે જ્યાં મતદાર પોતાનું નામ તથા મતદાન સ્થળ સહિતની વિગતો સરળતાથી મેળવી શકે છે. સાથે જ ચૂંટણી જેવી અતિ સંવેદનશીલ પ્રક્રિયાને નિષ્પક્ષતાથી પૂર્ણ કરી લોકશાહીની ગરીમા જાળવવી સૌ મતદારોનું કર્તવ્ય છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લામાં સેક્ટર ઓફિસર, બી.એલ.ઓ. તથા કેમ્પસ એમ્બેસેડર સહિતની ચૂંટણીલક્ષી ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા. સાથે જ ૧૮ વર્ષ પૂર્ણ કરી ચૂંટણી કાર્ડ મેળવી પ્રથમ વેળાના યુવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાતા તરીકે પોતાની ફરજ અદા કરવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ દેસાઈ, પ્રાંત અધિકારી વિશાલ સક્સેના, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. પંચાલ, ચૂંટણી મામલતદાર, એનજીઓ, એનએસએસ, એનસીસીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ અને જુનીજરસાડ વચ્ચે માધુમતિ ખાડી પર પુલ બનાવવા માંગ.

ProudOfGujarat

કોઈનાથી ડરવાની જરૂર નથી, દારૂ જુગારવાળાની માહિતી સીધા મને આપો, એસ.પી ડો.લીના પાટીલ.

ProudOfGujarat

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!