*જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૯ હજારથી વધુ હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેકસીન અપાશે*
*આઈ.એલ.આર.,સ્ટોરેજ,વેક્સિનેટર,તાલીમ,વેકસીનેશન માટેના ગ્રુપ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે
– જિલ્લા કલેક્ટરશ્રી*
*૧૬મી જાન્યુઆરીએ જિલ્લાના ૬ કેન્દ્રો પરથી થશે રસીકરણનો પ્રારંભ*
પંચમહાલ જિલ્લાની કોરોના સામેની લડાઈમાં અત્યારસુધીના સૌથી સારા સમાચારરૂપે કોરોના સંક્રમણ સામે રક્ષણ આપતી સ્વદેશી વેક્સિન કોવિશિલ્ડના ૧૧,૩૨૦ ડોઝ પૂણેથી ગોધરા આવી પહોંચ્યા હતા. આ શુભ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ આરોગ્યકર્મીઓએ ઉપસ્થિત રહી તાળીઓના ગડગડાટ સાથે વેક્સિનના જથ્થાનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી ૪ બોક્સમાં ૧૧૩૨ વાયલ કોવિશિલ્ડના ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા. વેક્સિનના આ પ્રથમ જથ્થાને ગોધરામાં આરોગ્ય વિભાગના જિલ્લા વેકસીનેશન સ્ટોર ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાના પાલન સાથે સંગ્રહ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૧૬મી જાન્યુઆરીથી વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ થઈ રહ્યો છે, જે અંતર્ગત ૧૬મીએ કુલ ૬ રસીકરણ કેન્દ્રો પરથી સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. પ્રત્યેક બૂથ પરથી દિવસમાં ૧૦૦ લાભાર્થીઓને નિર્દેશિત તકેદારી સાથે વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં જિલ્લામાં ૯,૨૭૬ જેટલા સરકારી તથા ખાનગી ક્ષેત્રે જોડાયેલા હેલ્થકેર વર્કરોને વેકસીન આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્ત રીતે અનુસરીને તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પૂરતા પ્રમાણમાં આઈ.એલ.આર., સ્ટોરેજ કેપેસિટી, વેક્સિનેટર્સ, સંબંધિત કર્મચારીઓની સઘન તાલીમ સહિતની વેકસીનેશન અંગેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૧૬મી તારીખે રાજ્ય સરકારનો આદેશ મળતાની સાથે તુરંત જ વેક્સિનેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રસી આપવાની છે તેવા લાભાર્થીઓને એસ.એમ.એસ. મારફતે તેમના કેન્દ્રની જાણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨ થી લઈને ૮ ડિગ્રી સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે.
પંચમહાલ:- રાજુ સોલંકી