Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે કૃષિ સંમેલન યોજાયું.

Share

કેટલાક હજાર લોકોના ફાયદા માટે કરોડો ખેડૂતો માટે ઉપકારક એવા કૃષિ કાયદાઓ રદ કરી શકાય નહીં તેમ પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ ખાતે યોજાયેલ કૃષિ સંમેલનના અધ્યક્ષપદેથી બોલતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ કૃષિ સુધાર કાનૂન-૨૦૨૦ અંગે સમજણ આપતા કૃષિ સંમેલન રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે ત્યારે મોરવા હડફ ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સંયુક્ત રીતે યોજાયેલ આ સંમેલનના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં ઉપયોગી સુધારા કરાવવાને બદલે ખેડૂતોને પોતાના ઉત્પાદન દેશમાં ગમે ત્યાં વેચવાની અને માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ આપતા ક્રાતિકારી કાયદાઓ સમૂળગા રદ કરવાની વાત કરીને ખેડૂતને ગરીબ જ રાખવા માંગતા દેશવિરોધી તત્વોની વાતોથી ભોળવાઈ ન જવા જણાવ્યું હતું.

ગુજરાતના આ ત્રણેય પૂર્વીય જિલ્લાઓના ખેડૂત આગેવાનો અને મિત્રોને આ કાયદાઓ અંગે વિસ્તારપૂર્વક જણાવતા ડેપ્યુટી સી.એમએ ટેકાના ભાવો રદ કરવાની વાત અફવા માત્ર છે અને ટેકાના ભાવે ખરીદીમાં ઉલ્ટાની જણસીઓની સંખ્યા વધારવામાં આવી છે તેમ જણાવ્યું હતું. માર્કેટિંગ યાર્ડને લગતા કાયદાઓમાં સુધારો કરતા આ કાયદાઓ દેશભરના બધા ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનો સૌથી વધુ ભાવ ઓફર કરતા કોઈપણ ખરીદદારને વેચવાની છૂટ આપે છે, જે કૃષિકારો માટે આર્થિક વિકાસના નવી લહેર લાવનાર ક્રાંતિકારી કાયદા બની રહેશે. પેટ્રોલ તેમજ અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો દેશમાં ગમે ત્યાં વેચી શકાય છે ત્યારે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની મર્યાદામાં બાંધી રાખવાને તેમણે અન્યાયકારી ગણાવ્યું હતું. ભારતનો ખેડૂત પોતાનું હિત સમજે છે અને તેથી જ બે નાના રાજ્યોને બાદ કરતા અન્ય તમામ રાજ્યો વિરોધ પ્રદર્શનોથી અળગા રહ્યા છે તેમ જણાવતા ગુજરાતના ખેડૂતોને આ કાયદાઓના વિરોધમાં અપાયેલા બંધના એલાનને નિષ્ફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આ કાયદાઓ અંગે લોકોની શંકાઓનું નિવારણ કરી વધુ જાગરૂકતા લાવવા હાકલ કરી હતી. આ અગાઉ, નાયબ મુખ્યમંત્રીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા અને ખેતી-પશુપાલન પ્રવૃતિને વધુ વળતરદાયક બનાવવા સરકાર દ્વારા સિંચાઈ, સહકારી દૂધ મંડળીઓને વધુ સશક્ત કરવા કરાયેલ પ્રયાસોનો વિગતવાર ચિતાર આપ્યો હતો. દેશના ખેડૂતોનો સર્વાંગી વિકાસ જેના હૈયે છે તેવી સરકાર માત્ર યુરિયા ખાતરમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની સબસીડી આપે છે તેમજ દેશભરના ખેડૂતોના ખાતામાં રૂ. ૧ લાખ કરોડથી વધુની રકમ કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત જમા કરવામાં આવી છે તેમ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ગયા વર્ષે ૩,૨૦,૦૦૦થી વધુ ખેડૂતોના ખાતામાં ૩૫૭ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ખેડૂતોને સમૃદ્ધ કરવા અવિરત પ્રયાસરત વડાપ્રધાનની છબી ખરડવા માટે થઈને દેશવિરોધી તત્વોએ ખેડૂતોને હાથો બનાવ્યા છે અને સાચા ખેડૂતો આ આંદોલનમાં બાજુમાં ધકેલાઈ ગયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તે અગાઉ કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે પોતાના સંબોધનમાં ખેડૂતોને સમૃદ્ધ કરવા વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવતા ખેડૂતો માટે કૃષિ મહોત્સવ, ટ્રેક્ટર-રોટાવેટર જેવા કૃષિ સાધનો માટે સહાય યોજના, વચેટિયાઓને બાજુમાં રાખી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર કરતી કિસાન સન્માન નિધી યોજના જેવી યોજનાઓ ખેડૂતોના જીવનમાં લાવેલ ખુશહાલી અંગે વાત કરી હતી. આ જ શૃંખલામાં કૃષિ સુધાર કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા છે ત્યારે તેમનો વિરોધ કરનારાઓને અવગણના કરવા અને આ કાયદાઓના સાચા હેતુ વિશે સામાન્ય ખેડૂત સુધી સમજણ પહોંચાડવા તેમણે અનુરોધ કર્યો હતો.

Advertisement

આ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સાંસદ રતનસિંહ રાઠોડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રાસંગિક સંબોધન કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્ય મંત્રીનું આદિવાસીઓની પ્રચલિત ઢબે આદિવાસી કોટી, પાઘડી, કડા, તીર-કામઠાથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલનમાં પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ, શૈલેષભાઈ ભાભોર, જીગ્નેશભાઈ સેવક, રમેશભાઈ, પંચમહાલ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ગોપાલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ સહિતના સંગઠનના પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો સોશિયલ ડિસ્ન્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે સરકારી ડ્રાઇવર-ભાઇઓ માટે વિવિધ સુવિધા સાથે ખૂલ્લી મૂકાઇ ડ્રાઇવર્સ લોન્જ.

ProudOfGujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી એલ.સી.બી છોટાઉદેપુર..

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની સબ જુનિયર તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!