*સમયસર પહોંચી બે બાળ લગ્નો અટકાવ્યા*
*બોર ગામે સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા સગીર વરરાજા સાથેની જાન પાછી ફરી*
*માતા-પિતા સહિત ગ્રામજનોને બાળ લગ્નોથી થતા નુકસાન અને બાળ લગ્ન વિરોધી કાયદા વિશે સમજણ આપી*
પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે અસરકારક કામગીરી દાખવતા બે બાળ લગ્નો થતા અટકાવ્યા હતા. સમાજ સુરક્ષા અધિકારીશ્રી લખારાના જણાવ્યા અનુસાર એક જાગૃત નાગરિકે ૧૦મી ડિસેમ્બરના રોજ કાલોલ તાલુકાના ચલાલી મુકામે યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસને સાથે રાખીને ટીમ ચલાલી પહોંચતા વરરાજાની ઉંમર ૧૭ વર્ષ માલુમ પડી હતી. આ ઉપરાંત, ઘોઘમ્બા તાલુકાના બોર ગામે યોજાઈ રહેલ લગ્ન અંગે જાણ થતા સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને પણ તપાસ કરતા વર અને વધુ બંનેની ઉંમર અનુક્રમે ૧૬ અને ૧૭ વર્ષ માલૂમ પડી હતી. જે બાદ લગ્ન યોજનાર બને પક્ષો, સમાજના આગેવાનો, સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે અને આ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે સમજાવતા તેમને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન કેન્સલ રાખવાનો નિર્ણય કરાયો હતો. બંને પક્ષોએ વર ૨૧ વર્ષનો થાય અને કન્યા ૧૮ વર્ષના થાય પછી જ લગ્ન કરાવવા ખાતરી આપી હતી. તંત્રના પ્રયાસોથી બે બાળ લગ્નો અટકાવવામાં સફળતા મળી હતી.
પંચમહાલ :- રાજુ સોલંકી