પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ ભૂરાવાવ ચોકડીથી ભામૈયા બાયપાસ સુધીનો માર્ગ છ દિવસ સુધી ટ્રાફિક માટે પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગોધરા શહેરમાંથી પસાર થતા સૂચિત અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર માર્ગને ફોરલેન કરવાની કામગીરી અંતર્ગત નડતરરૂપ મોટા અને જોખમી વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને ધ્યાને લઈને ભામૈયા બાયપાસથી ગોધરા શહેરમાં પ્રવેશ કરતા તથા ભૂરાવાવ ચોકડીથી અમદાવાદ તરફ જતા રોડને તા. ૦૪,૦૫,૦૬ અને ૧૧,૧૨,૧૩ ડિસેમ્બર-૨૦ એમ કુલ ૦૬ દિવસના સમયગાળા માટે વાહનોની અવરજવર હેતુ બંધ કરવાનો હુકમ આ જાહેરનામા અંતર્ગત કરવામાં આવ્યો છે. આ રસ્તાના વિકલ્પે ભામૈયા બાયપાસથી ઈન્દોર, અમદાવાદ હાઈવે થઈ છબનપુર પુલ નીચેથી ગોધરા શહેરમાં પ્રવેશ આપવા તેમજ ભૂરાવાવ ચોકડીથી લુણાવાડા રોડ, છબનપુર બાયપાસથી અમદાવાદ તરફ વાહનો ડાઈવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ડાકોર રોડ ચોકડી આગળ ખાડી ફળિયા તરફ જતો રોડ તેમજ સિંગલ ફળિયા થઈ રેલ્વે ગરનાળું પસાર કરી અમદાવાદ રોડ તરફ જતો રસ્તો તેમજ દરૂણિયા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
પંચમહાલ રાજુ સોલંકી