ગોધરા મહિલા હેલ્પલાઈન ૧૮૧ને મળેલ એક કોલમાં એક યુવતીએ જણાવ્યું હતું કે તેમના ભાભીએ પ્રાઇવેટ નર્સિંગ હોમમાં ડિલિવરી કરાવી હતી જેનું બિલ ધાર્યા કરતાં મોટી રકમનું આવતા તેઓ એ આટલું બિલ કેમ આવેલ તેમ પૂછપરછ કરતા હોસ્પિટલ સ્ટાફ ઉશ્કેરાઈ ગયો હતો અને જણાવ્યું હતું કે રૂપિયા હોય તો જ પ્રાઇવેટ હોસ્પિટલમાં આવવું. તેમ કહી માતા અને બાળકને રૂમમાં રાખી બિલની રકમ પહેલા ભરપાઈ કરવા તાકીદ કરતા મહિલાના નણંદે મદદ મેળવવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરતા ગોધરા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. આ રીતે માતા- બાળકને રાખવા અંગે સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી હતી. ગોધરા અભયમ ટીમે ફરજ પરના મેડિકલ ઓફિસર સાથે શાંતિથી ચર્ચા કરી બિલ ની રકમ બાબત જાણકારી મેળવવાનો પેશન્ટનો અધિકાર છે તેને માહિતી આપવી જોઈએ તેમ જણાવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ બિલની રકમની જાણકારી આપી યોગ્ય રકમ કરી આપતાં પરિવારે બિલની રકમની ભરપાઈ કરી હતી જેથી માતા અને નવજાત શિશુને પરિવાર પોતાની સાથે લઈ ગયા હતા. વધુમાં અભયમ ટીમે પરિવારને પણ માહિતી આપી હતી કે હવે સગર્ભા અવસ્થામાં આંગણવાડી ખાતે અને આશા વર્કર પાસે નોંધણી કરાવવાથી સગર્ભાને નિયત રસી આપવામાં આવે છે અને સરકારી પ્રસુતિ ગૃહમાં મફત અને સલામત પ્રસુતિ કરાવવામાં આવે છે અને પ્રસુતિ બાદ બાળક અને માતા ને ખીલખીલાટ વાન દ્વારા ઘરે સલામત પહોંચાડવામાં આવે છે, જેનો લાભ પણ સગર્ભા મહિલાઓ લઈ શકે છે.
રાજુ સોલંકી:- પંચમહાલ