જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ છૂટક મજૂરો, કારીગરો કે કામદારો અંગેની માહિતી સંબંધિત પોલિસ સ્ટેશને નિયત નમૂનામાં આપવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસાર પંચમહાલ જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ખાણીપીણીની દુકાનો-લારીઓ પર રસોઈયા કે કામદાર તરીકે, ફેક્ટરી, કારખાના, ઈંટોના ભઠ્ઠા પર કામદાર કે મજૂર તરીકે, કડીયાકામ, કલરકામના કારીગર તરીકે જિલ્લા કે રાજ્ય બહારની વ્યક્તિ કાર્યરત હોય તો તેને કામે રાખનાર જે-તે માલિક, એજન્ટ કે મુકાદમે તેને લગતી માહિતી નિયત નમૂનાના ફોર્મમાં ભરીને સંબંધિત પોલિસ સ્ટેશન પર આપવાની રહેશે. જિલ્લા કે રાજ્ય બહારના વ્યક્તિને કામે રાખ્યાના ૨૪ કલાકની અંદર તેના આઈ.ડી. પ્રૂફ, મોબાઈલ નંબર, સરનામા સહિતની વિગતો સંબંધિત પોલિસ સ્ટેશને લેખિતમાં આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
પંચમહાલ રાજુ સોલંકી