ભારતીય દલિત સાહિત્ય અકાદમી સમગ્ર ભારત દેશમાં વિવિધ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમો યોજી રહી છે. એનો મુખ્ય ઉદ્દેશ જૂની નવી પેઢીને જોડવાનો છે. નવા સર્જકોને મંચ પૂરો પાડવાનો છે તથા સામાજીક વાસ્તવ રજૂ કરી દલિત પીડિત લોકોની વેદનાને વાચા આપવાનો છે. એના ભાગરૂપે તાજેતરમાં જ ઝૂમ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ગીત કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં ગુજરાત, રાજસ્થાન, મુંબઈ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશના કવિઓ જોડાયા હતા. આ ઓનલાઇન કાર્યક્રમના અતિથિ વિશેષ પદેથી બોલતાં ગોધરાના કવિ અને કબીર એવોર્ડ વિજેતા સર્જક વિનોદ ગાંધીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ ભારતીય દલિત સાહિત્ય કક્ષાએ આવા કાર્યક્રમો ઓનલાઇન માધ્યમથી યોજાઈ રહ્યા છે એ જ સામાજિક વિકાસ દર્શાવે છે. એમણે સાહિત્ય અને સમાજ તથા કવિતામાં વેદનાનું નિરૂપણ કઈ રીતે થાય એ ઉદાહરણો આપી સમજાવ્યું હતું. બીજા મહેમાન કવિ દાન વાઘેલાએ દલિત સાહીત્યના ઉદભવ અને વિકાસની ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયાં હતાં અને શુભેચ્છાઓ આપી હતી. અકાદમીના ગુજરાત અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજાએ તમામ મહેમાનોનું સ્વાગત કરતાં અકાદમીના કાર્યક્રમો ગામેગામ પહોંચવાની હાકલ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન આઈ સી ડાભીએ કર્યું હતું. આ ઓનલાઇન કવિ સંમેલનમાં 42 જેટલા ભારતીય કવિઓ જોડાયા હતા અને પોતપોતાની ગીત રચનાઓ રજૂ કરી હતી. એક પ્રકારનું સરસ સાહિત્યિક વાતાવરણ સર્જાતાં કોરોના કાળના ગંભીર વાતાવરણમાંથી જુદા જ પરિવેશમાં જવાનો કવિઓને મોકો મળ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી