પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વતંત્રતા દિવસની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પૂ. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫-એ ની કલમ હટાવી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રશંસનીય કાર્ય કર્યુ છે. ૫૦૦ વર્ષથી ચાલ્યા આવતા રામજન્મભુમિના પ્રશ્નનો સુખદ નિવેડો લાવી રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો છે, જેને કારણે કરોડો દેશવાસીઓ સંતોષની લાગણી અનુભવી રહ્યા છે. વિશ્વભરને ઘૂંટણિયે પાડનાર કોરોના મહામારી સામે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલી કામગીરી દુનિયાભરમાં ઉદાહરણરૂપ બની છે. સંક્રમણથી દેશવાસીઓને બચાવવા માટે સમયસર લોક ડાઉન લાગુ કરવાના દુરંદેશીભર્યા પગલાને દુનિયાભરના દેશોએ બિરદાવ્યું છે. લોક ડાઉનના દરમિયાન ધંધા-ઉદ્યોગ, નાના રોજગારોને થયેલ નુકસાનની અસર નિવારવા ભારત સરકારે રૂ.૨૦ લાખ કરોડનું અભૂતપૂર્વ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. કોરોના સંકટની સામે રાજ્ય સરકારે માંડેલી લડતનો ચિતાર આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ સરકારે ખૂબ ટૂંકાગાળામાં બેડ વેન્ટિલેટર્સ, ઓક્સિજન સપ્લાય, દવાઓ સહિતની તબીબી સવલતોમાં મોટા પાયે વધારો કર્યો છે. એ જ શ્રેણીમાં જિલ્લામાં કોરોનાની મફત સારવાર માટે શરૂ કરાયેલ ૨૦૦ બેડની સુવિધાનું વિસ્તરણ કરી ત્રણ ગણા કરતા વધુ ક્ષમતાની ૫૨૫ બેડની કરવામાં આવી છે. લડત દરમિયાન કોરોના વોરિયર્સને સતત પ્રોત્સાહન આપીને પૂરતા સંસાધનો ઉપલબ્ધ કરાવવાની રાજય સરકારની સજાગતા થકી કોરોનામાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતનો રીકવરી રેટ હાલ ૭૭ ટકાએ પહોંચ્યો છે. રાજય સરકારે કોરોના મહામારીમાં ૨૦ લાખ પરપ્રાંતિય શ્રમિકોને બસ અને ૧ ટ્રેન દ્વારા તેમના વતન પહોંચાડયા છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. શ્રમિકો, બીપીએલ/ એપીએલ કાર્ડધારકોને પાંચ માસનું મફત અનાજ આપવામાં આવ્યું છે. આ કપરા સમય દરમિયાન રાજ્યની ૮૦ ટકાથી વધુ જનતાને ૨,૦૦૦ કરોડથી વધુ મૂલ્યનું અનાજ વિનામૂલ્યે વિતરીત કર્યુ છે. કોરોના સામે બાથ ભીડવા સાથે વિકાસની ગતિ બરકરાર રાખતા શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારે ઉદ્યોગ, સેવા અને કૃષિ ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવા શૃંખલાબદ્ધ નિર્ણયો લીધા છે. વાતો કરવામાં નહીં પરંતુ વાસ્તવિક કામો કરવામાં માનતી સરકારે શાસનના ૧૪૦૦ દિવસોમાં ૧૫૦૦થી વધુ નિર્ણયો લઈ પ્રજાભિમુખ વહીવટનો પુરાવો આપ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઔદ્યોગિક- મેન્યુફેકચરિંગ અને કૃષિ ક્ષેત્રે સાધેલી પ્રગતિ અને સરકારના જનહિતલક્ષી નિર્ણયો વિશે જણાવ્યું હતું. ખેડૂતો, શ્રમજીવીઓ, વંચિતો, આદિવાસીઓ, મહિલાઓ-યુવાનોના હિતને પ્રાધાન્ય આપતા આ સમુદાયો માટે સરકારે લીધેલા પગલાઓ અંગે મંત્રીશ્રીએ માહિતી આપતા પંચમહાલ જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસકામોની ઝાંખી પણ આ વેળા રજુ કરી હતી. દેશની તમામ પંચાયતોને ૧૪માં નાણાંપંચની રકમ સીધી પંચાયતોને અપાવવી, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ૫૨૦૦ કરોડની યોજના, ખેડૂતોને પાક વીમા સુરક્ષા છત્રનો વિનામૂલ્યે લાભ આપતી યોજના, સુજલામ સુફલામ જળસંચય યોજના, વન અધિકાર ધારા હેઠળ ૧,૩૯,૦૦૦ એકર જમીનના માલિકીના હકો આપવા સહિતના પગલાઓ, શહેરો-નગરો-ગામોમાં વધેલી આંતરમાળખાકીય સવલતો, શિક્ષણ-રોજગારના વધેલા અવસરો, પર્યટન સ્થળોનો થયેલો વિકાસ વગેરેનું ચિત્ર રજૂ કર્યું હતું. કોરોના સંક્રમણની આપત્તિ વચ્ચે પણ વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થઈ રહ્યા છે એમ જણાવતાં મંત્રીશ્રીએ વિકાસની રફતાર અટકવા નહિ દેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશવ્યાપી ચળવળ જાગી છે ત્યારે આપણે સૌ એક બની સારી આદતો કેળવીએ અને આ સંક્રમણને રોકવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આપવમાં આવેલ સુચના/માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરી કોરોના સામે સંગ્રામ જીતવામાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. કોરોના સંક્રમણથી અન્યોના જીવ બચાવવા માટે પોતાના પ્રાણ જોખમમાં મૂકીને રાત-દિવસ કાર્યરત રહેતા કોરોના વોરિયર્સને વંદન કરતા પુનઃ એકવાર શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે કોરોના સામેની લડાઈમાં અથક અને અવિરત પ્રદાન આપનારા કોરોના વોરિયર્સ- આરોગ્યકર્મીઓ, સફાઈ કર્મચારીઓ, પોલિસ, ડોક્ટર્સ-નર્સીસ સહિતના મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના ૫૯ જેટલા કોરોના યોદ્ધાઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ગોધરા ખાતે આયોજિત સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, રેન્જ આઈ.જી.શ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલિસ વડા, નાયબ વન સંરક્ષકશ્રી, પ્રોબેશનરી આઈ.એસ.એસ.શ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સોશિયલ ડિસ્ન્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી.
Advertisement