નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં જમીનની ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા ઈચ્છુકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનીક, એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયેબિલીટી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, પીએસીએસ, ઈનપુટ રીટેલ આઉટલેટ, ઈનપુટ રિટેલર્સ અને શાળાઓ/કોલેજોમાં નાણાંકીય સહાય આપવાની જોગવાઈ કરેલી છે. જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ રૂ. ૫.૦૦ લાખના ૭૫ ટકા લેખે રૂ. ૩.૭૫ લાખની નાણાંકીય સહાય લાભાર્થીને આપવાની જોગવાઈ છે. જે ગ્રુપ સંસ્થા કે વ્યક્તિ આ બાબતે રસ ધરાવતા હોય તો આ યોજના અંતર્ગત ફોર્મ તેમજ અન્ય જરૂરી માહિતી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, રૂમ નં ૧૮-૨૧, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૦૨, ગોધરા પાસેથી કચેરીના કામકાજના સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. અરજી મેળવ્યા બાદ તેમાં માંગ્યા મુજબની વિગતો ભરી જરૂરી સાધનિક કાગળો/વિગતો ઉપર જણાવેલ કચેરીમાં નિયત સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી