પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે પાણીપુરવઠાના અલગ-અલગ વિભાગો એક જ મકાનમાં કાર્યરત થઈ શકે તેમ નવીન જલભવનનું નિર્માણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગોધરામાં પાણી પુરવઠા (યાંત્રિક), પાણી પુરવઠા (બાંધકામ), વાસ્મો, જિલ્લા લેબોરેટરી, વર્તુળ કચેરી, ડિવીઝન-સબ ડિવીઝનની કચેરીઓ અલગ-અલગ ભાડાના મકાનોમાંથી કાર્યરત છે. પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી કે.કે.બોદરે આ અંગે જણાવ્યું હતું કે પાણી પુરવઠા સાથે સંલગ્ન અલગ-અલગ સાત કચેરીઓ અલગ-અલગ ભાડાના મકાનમાં કાર્યરત છે. જેથી પાણી પુરવઠાના પ્રશ્નો માટે લોકોને અલગ-અલગ સ્થળોએ ન જવું પડે અને તમામ વિભાગો પોતાના સ્વતંત્ર એક જ મકાનમાં કાર્યરત થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાને રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ રજૂઆત સાંભળી મકાનના નિર્માણ માટે જમીનની ત્વરિત ફાળવણી માટે નિર્દેશ કર્યો હતો. જેના પગલે ગોધરા ખાતે આર.ટી.ઓ.કચેરી પાસે જમીન ફાળવવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે રૂ.૮.૩૮ કરોડના ખર્ચે આ જલભવનનું નિર્માણ કરવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી