સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સેના નાયકો બિરસા મુંડા અને ગોવિંદ ગુરૂને શ્રધ્ધાંજલિ અપાઈ
પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી સમાજે વાજિંત્રોના
તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી
આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શિક્ષકોનું સન્માન
લાભાર્થીઓને વન અધિકારપત્રોનું વિતરણ
પંચમહાલ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે મોરવા (હ) અને ઘોઘમ્બા ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉજવણી કાર્યક્રમો યોજાયા હતા. મોરવા (હ)માં કે.એસ. હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ઉજવણી સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પ્રકૃતિથી અનન્ય લગાવ ધરાવતા આદિવાસી સમાજે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતના જ્ઞાનને વનોમાં જાળવી રાખીને સમગ્ર માનવજાત ઉપર ઉપકાર કર્યો છે. આદિવાસી સમાજની આ વિશિષ્ટ સંસ્કૃતિના માનમાં આ દિવસની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના પ્રદાનને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે શ્રી બિરસા મુંડા અને શ્રી ગોવિંદ ગુરૂની શૌર્યગાથાઓ અને દેશપ્રેમ આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે છે. પંચમહાલ જિલ્લાના ઈતિહાસમાં આદિવાસીઓનું પ્રદાન અનન્ય રહ્યું છે તે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર આદિવાસીઓની વિશિષ્ટ સંસ્કૃતિ જાળવી રાખવાની સાથે તેમનો અન્ય સમુદાયોની સમકક્ષ વિકાસ થાય તે સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. આદિવાસી બાળકો માટે દૂધ સંજીવની, એકલવ્ય અને સમરસ છાત્રાલયો, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી અને ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના, આદિવાસી રમતવીરો માટે શિષ્યવૃતિ, આદિવાસી બાળકોને પ્રોફેશનલ કોચિંગની સુવિધાઓ સહિતની યોજનાઓ આદિવાસી સમુદાયનો વિકાસ કરવા પ્રત્યેની કટિબધ્ધતા દર્શાવે છે. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેમાંથી અપનાવવા જેવી બાબતો અંગે વાત કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ જીવનના અનેક પાસાઓમાં માર્ગદર્શક પુરવાર થઈ છે. મોરવા (હ) સહિતના આદિવાસી વિસ્તારોમાં કોરોના સંક્રમણના ઓછા કેસો તેનું એક ઉદાહરણ છે. સમારંભમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના શુભેચ્છા સંબોધનનું પ્રસારણ અને આદિજાતિ સંસ્કૃતિના વિકાસ સહિતની યોજનાઓ દર્શાવતી એક લઘુ દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ નિમિત્તે જિલ્લાના ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, રમત-ગમત ક્ષેત્રે પ્રશંસનીય પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમજ વિવિધ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું આદિવાસી રીત-રિવાજો અનુસાર આદિવાસી કોટી, તીર-કામઠું અને વારલી પેઈન્ટીંગની પરંપરાગત ભેટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
*બોક્સ*
યુનો દ્વારા વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયના પ્રદાનને સ્વીકારવા, તેમને સમાન હક્કો-અધિકારો મળી રહે અને તેઓ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે તા.૯મી ઓગસ્ટનો દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મોરવા (હડફ)ના પૂર્વ ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથાર, આદિજાતિ મોરચાના પ્રમુખશ્રી વિક્રમસિંહ ડીંડોળ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતના લોક પ્રતિનિધિઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી એસ.કે. રાઠોડ, ડેપ્યુટી કમિશનર આદિજાતિ વિકાસ શ્રી એલ.બી. દેવડા, પ્રાંત અધિકારીશ્રી જયકુમાર બારોટ, ડીવાયએસપીશ્રી આર.દેસાઈ, મામલતદારશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજુ સોલંકી:- પંચમહાલ
—–૦૦૦૦—-