પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના કેસોની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લામાંથી દૈનિક ધોરણે મળી રહેલા પોઝિટીવ કેસોની સંખ્યાના પ્રમાણમાં બેડ સહિતની સુવિધાઓ વધારવાની દિશામાં થઈ રહેલી પ્રગતિ વિશે માહિતી મેળવતા આર.ટી.ઓ. કમિશ્નરશ્રી માંજુએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ છે ત્યારે સંક્રમણના કેસો શક્ય તેટલા વધુ વહેલા ડિટેક્ટ કરી ઝડપી અને અસરકારક સારવાર પૂરી પાડવા પર ભાર અપાઈ રહ્યો છે. જે અંતર્ગત જિલ્લામાં પણ આઈસોલેશનમાં મૂકાયેલા તેમજ શંકાસ્પદ કેસોની શ્રેણીમાં આવતા કેસોનું ઝડપથી ટેસ્ટીંગ કરવા તેમણે જણાવ્યું હતું. અનલોક બાદ જનજીવન દરમિયાન લોકોનો એકબીજા સાથેનો સંપર્ક વધ્યો હોવાથી કેસોમાં વધારો અપેક્ષિત છે ત્યારે તંત્રની વ્યૂહરચનામાં ઝડપી ડિટેક્શન અને અસરકારક સારવાર જ કોરોનાથી નુકસાનને ખાળનારા બની રહેશે તેથી તેના પર ભાર મૂકવા તેમણે સૂચના આપી હતી. લક્ષણો વિનાના સંક્રમિતો ઉપરાંત હળવાથી અતિ હળવા લક્ષણો વાળા દર્દીઓને કેસની સ્થિતિ પ્રમાણે હોમ આઈસોલેટ કરવા કે કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવા સહિતના બેડ મેનેજમેન્ટ અંગે નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, હવેથી લક્ષણો વિનાના દર્દીઓ અને હળવા પ્રકારના લક્ષણોવાળા અને કો-મોર્ડિડ ન હોય તેવા દર્દીઓના હોમ આઈસોલેશન પર ભાર હોવાથી ફિલ્ડના સ્ટાફને પણ હોમ આઈસોલેટ કરાયેલ દર્દીની સારવાર-ફોલોઅપ, જરૂરી સાવચેતીઓ અંગેની સૂચનાઓ વગેરે બાબતોમાં ટ્રેઈનિંગ આપી કુશળ બનાવવા જણાવ્યું હતું. કમિશ્નરશ્રીએ આ ઉપરાંત દાખલ પેશન્ટોની સંખ્યા અને કેસોની ગંભીરતા અનુસાર સારવાર માટે ઉપયોગમાં લેવાઈ રહેલી રેમડિસીવર સહિતની દવાઓનો પૂરતો જથ્થો જળવાઈ રહે તે બાબત પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. જિલ્લામાં થયેલ કોવિડ ડેથ કેસો અંગે વિગત મેળવતા તેમણે જણાવ્યું હતું કે કોવિડના કારણે થયેલ મૃત્યુના દરેક કેસના કારણો અને સ્થિતિનું બારીકાઈથી વિશ્લેષણ કરી સમાન સ્થિતિ ધરાવતા અન્ય દર્દીઓ માટેની ટ્રીટમેન્ટ અપડેટ કરતા રહેવાની છે. કોરોના સંક્રમણથી થતા મૃત્યુને મર્યાદિત રાખવા માટે કો-મોર્ડિબીડીટી ધરાવતા અને વલ્નરેબલ એજ ગ્રુપમાં આવતા વ્યક્તિઓના સ્વાસ્થ્યનું પી.સી.એમ.એસ. દ્વારા સઘન ટ્રેકિંગ કરી સંક્રમણ સામે બચાવના શક્યતઃ તમામ પગલાઓ ભરવા તેમજ સંક્રમિત થવાની સ્થિતિમાં વહેલી તકે સારવાર ઉપલબ્ધ કરાવવા તેમણે ભારપૂર્વક સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૧૩૬થી વધુ સક્રિય કેસો છે. ગઈકાલે નવા ૧૨ પોઝિટીવ કેસો મળી આવ્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી સહિતના કોરોના વોરિયર્સ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી