વિજયસિંહ સોલંકી ,ગોધરા
પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સર્કીટ હાઉસ ગોધરા ખાતે યોજાઇ હતી.
બેઠકમાં ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, લોક સુવિધા અર્થે વિકાસના કામો નિયત સમયમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આયોજન મંડળના બેઠકમાં મંજુર થયેલ કામોની વહીવટી મંજુરી મળે કે સત્વરે કામો શરૂ કરી તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના રહેશે. આ આયોજન માટે જે તે તાલુકાના સંલગ્ન જિલ્લા–તાલુકાના અધિકારીઓ સાથે સંકલનમાં રહી મંજુર કરેલ કામોને પૂર્ણ કરવા મંત્રીશ્રીએ લાગણી વ્યક્ત કરી હતી.
ચાલુ વર્ષમાં બે ત્રણ મહિના પછી ચોમાસાની ઋતુ શરૂ થશે. આ સમયમાં બાંધકામના કામો શરૂ કરી શકાશે નહિ જેથી આ મંજૂર કરવામાં આવેલ કામો ચોમાસાની ઋતુ પહેલા શરૂ કરી દેવામાં આવે તો લોકોને ભૌતિક સુવિધાનો લાભ મળશે. વિશેષમાં તેમણે આ આયોજનની બેઠકમાં પાછલા કામો મંજૂર થયાં છે તે કામો આગામી ઊનાળાની ઋતુને ધ્યાનમાં રાખતાં લોકોને પીવાના પાણીની અગવડ ન પડે તે માટે વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી આવા કામો નિયત સમયમાં પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન ગ્રાંટ તળે મંજૂર થતાં કામોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. અધિકારીઓ દ્વારા નકશા, અંદાજો ઝડપથી રજૂ કરે અને સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા તેમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આયોજન મંડળમાં વહીવટી મંજુરી મળ્યા પછી નિયત સમયમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણ માસમાં કામો પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને ભારપૂર્વક જણાવ્યું હતું
આ બેઠકમાં વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો માટે ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવા સહિત ફાળવેલ ગ્રાંટ રદબાતલ થશેતો જે તે વિભાગના અમલીકરણ અધિકારીઓની જવાબદારી રહેશે. તેમ આયોજન અધિકારીશ્રીએ તાકીદ સાથે જણાવ્યું હતુ.
આ આયોજન મંડળની બેઠકમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં વિવિધ વિકાસકીય કામો માટે કુલ રૂ.૧,૦૦૩.૩૫ લાખનું આયોજન સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ ટકા વિવેકાધીન હેઠળ રૂ. ૮૪૦.૧૦ લાખ, ૧૫ ટકા ટી.એ.એસ.પી. યોજના માટે રૂ.૮૦.૦૦ લાખ, ૧૫ ટકા એસસીએસપી યોજના માટે રૂ.૫૮.૦૦ લાખ, પ્રોત્સાહક યોજના માટે રૂ.૨૫-૨૫ લાખના આયોજનનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ, ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ખાંટ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઝવેરી તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારિશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ, સભ્યશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.