કોવિડ-૧૯ સામેની લડતમાં પંચમહાલ જિલ્લા માટે આજનો દિવસ રાહતભર્યો રહ્યો હતો. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં આજે ૦૮ નવા કોરોના પોઝિટીવ કેસો પણ નોંધાયા છે. જેના પરિણામે કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૨૭૭ થવા પામી છે. આજે હાલોલ અને ગોધરાના શહેરી વિસ્તારોમાંથી ૩-૩ અને તેમજ કાલોલ અને ગોધરાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧-૧ કેસ મળી આવ્યા છે. નવા મળી આવેલા કેસોમાં હાલોલના દર્પણ સોસાયટીના ૪૨ વર્ષીય પુરૂષ, વરિયા કોલોનીના ૩૬ વર્ષીય પુરૂષ, પાવાગઢ રોડના ૩૨ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. ગોધરા નગરપાલિકાના ગીતા સોસાયટીના ૧૫ વર્ષીય કિશોર, સાવલીવાડના ૩૧ વર્ષીય યુવાન, હરિકૃષ્ણા સોસાયટીના ૫૫ વર્ષીય પુરૂષ, જાફરાબાદના આર્શીવાદ સોસાયટીના ૭૧ વર્ષીય પુરૂષ તેમજ કાલોલ તાલુકાના વેજલપુરના ૪૯ વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે. હાલની સ્થિતિએ જિલ્લાના કુલ ૨૦૮ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં ૨૩૩ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪૪ કેસો નોંધાયા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૫, ૮૦૩ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૩, ૫૩૨ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૨૨૭૧ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૮૦૦૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૭૭ સેમ્પલ પોઝિટીવ, ૭૩૦૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૬ સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. ૬ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા માટે રાહતના ખબર, કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.
Advertisement