વિજયસિંહ સોલંકી- ગોધરા
પંચમહાલ જિલ્લાના કાંકણ પુર નવીન પોલીસ સ્ટેશન, શહેરા કક્ષા બી-૧૬ નવીન પોલીસ મકાનનું લોકાર્પણ અને દામાવાવ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે કાંકાણપુર ખાતે યોજાયેલા કાર્યક્ર્મ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા, શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાત પોલીસ પરિવારોને સગવડ પુરી પાડવા માટે પોલીસ આવાસો બનાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. એટલું જ નહી રાજ્યમાં પોલીસ ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વધુમાં ઉમેરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાતનું સ્થાન શાંતિપ્રિય રાજ્ય છે. દેશ અને દુનિયાના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવાના લીધે ગુજરાતમાં રોજગારીની તકો વધી છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનો યશ ગુજરાત પોલીસને ફાળે જાય છે. આજે ગુજરાતમાં સલામતી અને સુરક્ષાને લીધે ગુજરાતનો વિકાસ થયો છે. ઉપરાંત મહિલાઓ પણ સુરક્ષિત છે તેમણે ગુજરાતમાં દારૂબંધી માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે અને પશુધનને બચાવવા ગૌ હત્યા અટકાવવા કાયદો અમલમાં છે. મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એન્ટી કરપ્શન એક્ટને સઘન બનાવાયો છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય અને છેવાડાના માનવી સુધી વિકાસનો ફળો પહોંચાડવા કટિબધ્ધ છે.
શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રજાજનોના સુરક્ષા અને સલામતિ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે ત્યારે કાંકણપુર અને દામાવાવ પોલીસ સ્ટેશનની સુવિધા મળવાથી લોકોની સલામતિમાં વધારો થશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી જયદ્ર્થસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, રેન્જ આઇ.જી. શ્રી બ્રજેશ કુમાર ઝા, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઝવેરી, પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.