વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ મદદ અર્થે આગળ આવ્યા છે. એ જ રીતે પંચમહાલ જિલ્લામાં પણ સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડના સ્વયંસેવકોએ કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા વર્ગ પૈકીના ૫૦,૦૦૦ થી વધુ વૃદ્ધ નાગરિકોમાં આ અંગે જાગરૂકતા પ્રસરાવવાનો તેમજ મેડિકલ સર્વે સહિતની ઉમદા કામગીરી બજાવી છે. ગુજરાત રાજ્ય યુવા બોર્ડનાં ડો. જીગર ઈનામદારના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે યોજાયેલી એક બેઠકમાં વિવેકાનંદ યુવક બોર્ડના યુવાનોની આ કામગીરી સહિતના કાર્યો વિેશે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા સંયોજક પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા વર્ગને પ્રાથમિકતા આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જિલ્લાના ૫૦,૦૦૦ કરતા વધુ વૃદ્ધોનો સંપર્ક કરી તેમને કોઈ બિમારી છે કે નહીં સહિતની વિગતો સર્વે કરી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, આ વૃદ્ધોને કોરોના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી આપી હતી. આ સિવાય વૃદ્ધોને મળતું પેન્શન, નિરાધાર પેન્શન તેમજ વિધવા પેન્શન વગેરેનાં લાભ છેવાડાનાં માનવીને મળે તેવા કામોનો ચિતાર પણ આ બેઠકમાં આપવામાં આવ્યો હતો. બેઠકનાં અધ્યક્ષ ડો. જીગર ઈનામદારે સંયોજકોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે તેવા સફળ પ્રયાસો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઝોનનાં સહ સંયોજક આસિત ભટ્ટે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે ચીંધેલા માર્ગ પર ચાલીને સરકારશ્રીની યોજનાઓ લાભ જરૂરિયાત ધરાવતા દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. આ પ્રસંગે ઝોન સંયોજક મનોજ કીકલાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી