પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં પણ રક્તનો જરૂરી અનામત જથ્થો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવી જૂન મહિનામાં 616 યુનિટ મેળવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની સ્થિતિના કારણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મંદ થયું છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં રક્તનો નિશ્ચિત અનામત જથ્થો જાળવી રાખવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં માર્ગદર્શન હેઠળ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુપોષિત મહિલાઓ, બાળકો તેમજ પ્રસૂતિ દરમિયાન મહિલાઓનો જીવ બચાવવા રક્ત અતિ આવશ્યક છે અને કોરોના સંક્રમણનાં પરિણામે રક્તદાનની પ્રવૃતિ મંદ થઈ છે. ત્યારે તંત્ર દ્વારા આ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર ઘોઘંબા તાલુકામાંથી 209 યુનિટ, ગોધરા તાલુકામાંથી 150 યુનિટ, કાલોલ તાલુકામાંથી 65 યુનિટ, હાલોલ તાલુકામાંથી 46 યુનિટ, મોરવા હડફ તાલુકામાંથી 60 યુનિટ અને શહેરા તાલુકામાંથી 86 યુનિટ મળી કુલ 616 યુનિટ જૂન મહિનામાં મેળવવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર સૌ દાતાઓનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આ પ્રકારનાં કેમ્પનું આયોજન ચાલુ રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી