પંચમહાલ જિલ્લામાં વધુ બે કેસો પોઝિટીવ મળી આવતા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ 145 થવા પામી છે. આ પૈકીના 87 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા આપી દેવાઈ છે. જ્યારે 14 વ્યક્તિઓનું અવસાન થયું છે. જિલ્લામાં કોરોનાના 44 કેસો હજી સક્રિય છે. જે પૈકી 14 દર્દીઓ ગોધરા, સિવિલ હોસ્પિટલ ખાતે, 11 દર્દીઓની તાજપુરા ખાતેની નારાયણ આઈ હોસ્પિટલ ખાતે તેમજ બાકીના 19 દર્દીઓની સારવાર વડોદરાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાલની સ્થિતિએ જિલ્લાના કુલ 75 વિસ્તારોની ઓળખ કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે કરવામાં આવી છે. જે પૈકીના 29 વિસ્તારોમાં છેલ્લા 28 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ ન મળી આવતા તેમને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 11,541 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 9,551 વ્યક્તિઓએ કવોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરી દીધો છે જ્યારે 1990 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો હજી બાકી છે. જિલ્લામાંથી અત્યાર સુધી કુલ 4588 સેમ્પલ પરીક્ષણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી 4436 સેમ્પલ નેગેટીવ આવ્યા છે જ્યારે 9ના રીપોર્ટ પેન્ડિંગ છે.
પંચમહાલ રાજુ સોલંકી