પંચમહાલ જિલ્લા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) દ્વારા હાલોલ તાલુકાનાં અરાદ ગામે સ્થાનિક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર કરેલા શાકભાજીનાં વેચાણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા અરાદ ગામે યોજાયેલ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેની બે દિવસીય તાલીમમાં પ્રાકૃતિક કૃષિના મુખ્ય ચાર આધારસ્તંભ જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપ્સા ઉપરાંત નીમાસ્ત્ર, અગ્નિસાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક અને સપ્તધાન્યાંકુર અર્ક અંગેની વિસ્તૃત જાણકારી માસ્ટર ટ્રેનર મારફતે મેળવી હતી. ભાગ્યોદય જૂથના ખેડૂત સભ્યોએ જીવામૃત, બીજામૃત વગેરેનો ઉપયોગ કરી રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા વિના તૈયાર કરેલ શાકભાજી, મગફળી, પપૈયા, તડબૂચ જેવા ફળોના વેચાણ માટે આત્મા પ્રોજેક્ટ કચેરીના હાલોલ એકમ દ્વારા હાલોલ-પરોલી રોડ પર વેચાણ માટેની બજાર વ્યવસ્થા અંતર્ગત સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેથી આજુબાજુના ગામના ખેડૂતોને સારી ગુણવત્તાના પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલા શાકભાજીઓ મળી રહે તેમજ ખેડૂતોને નિયમિત રીતે દૈનિક આવક મળી રહે. પ્રતિ સ્ટોલધારક ખેડૂત દ્વારા સ્ટોલ પરથી દૈનિક રૂ.1500/- સુધીનું વેચાણ થઈ રહ્યુ છે, જેમાંથી પડતર કિંમત બાદ કરતા ખેડૂતોને દૈનિક રૂ.450/-થી રૂ.600/-નો નફો થઈ રહ્યો છે. સ્ટોલ પર વેચાણ સમયે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કાળજીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી
હાલોલ તાલુકાનાં અરાદ ગામે આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં ઉત્પાદનનાં વેચાણ માટે સ્ટોલ ઉભા કરાયાં.
Advertisement