સમગ્ર ભારતદેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં વધારો થતા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જ્યાં કોરોના કેસો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા તે તમામ જગ્યાઓ પર કોરોના વાઇરસને નિયંત્રણમાં લેવા માટે અમુક જિલ્લાઓને રેડ ઝોનમાં મૂકવાનું નક્કી કર્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળતા પંચમહાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેનાં કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને પોતે તૈયાર કરેલ પાકના વાવેતરનું વેચાણ ન થતા તેઓની હાલત અત્યંત દયનીય બની છે. તેથી પંચમહાલ જિલ્લાના કિશાન મોરચાના પ્રમુખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત ગૃહરાજ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓને રેડઝોનમાંથી મુક્તિ આપવા રજુઆત કરેલ છે. પંચમહાલ જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં હાલોલ તાલુકાના બે થી ત્રણ કેસ છોડી બાકીના કેસો ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગોધરા શહેરના છે. જ્યારે પંચમહાલ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં એક પણ કોરોના વાઇરસ સંક્રમણના કેસ નોંધાયા નથી. જેનું મુખ્ય કારણ ગ્રામજનો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનના નિયમોનું ચુસ્તપાલન કરવા માટે ગ્રામજનો કટિબદ્ધ રહી અને બહારગામથી આવતા વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા જેના સતર્કતાના ભાગરૂપે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસ કેસ નોંધાયા ન હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અનાજ દૂધ શાકભાજી વગેરેની ખરીદ વેચાણ થઈ શકે તે માટે ગામડાઓને રેડ ઝોનમાંથી છૂટછાટ આપવા માટે તેમજ હાલમાં સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવની નોંધણી અને ખરીદીની જાહેરાત કરવામાં આવી છે અને સાથો સાથ રાયડા અને ચણાની ખરીદી માટે ગુજકોમાસોલને કામગીરી પણ આપવામાં આવી છે. પરંતુ પંચમહાલ જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવતા ખેડૂતો સરકારના ટેકાના ભાવની ખરીદ નોંધણી કરી શકતા નથી અને હાલમાં જિલ્લામાં ટેકાના ભાવની ખરીદીની નોંધણીનો આંકડો નહિવત છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઘઉં,ડાંગર, દિવેલા, વગેરેનું વેચાણ તેમજ જિલ્લામાં તમાકુનો પાક લેવા માટે પણ વેપારીઓ દલાલો રેડ ઝોનના કારણે આવતા નથી અને હાલ ખેડૂતોના પાકનું વાવેતરનું વેચાણ ન થતાં પાક ખેતરમાં ખુલ્લા પડી રહ્યા છે જે નુકશાન થવાની શક્યતા વધી રહી છે ત્યારે એક માસ બાદ ચોમાસું સક્રિય બની આગમન થવાનું છે તે પહેલાં ખેડૂતોનો તમામ પાક વેચાઈ જાય તેવા પ્રયાસો કરવા જોઈએ તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને જિલ્લામાં ગામડાઓના ખેડૂતોને ખેતીનું નવું વર્ષ શરૂ થઇ ગયું છે ત્યારે તેઓને ખેતીકામ માટે જરૂરીયાત મુજબ સામાન બિયારણ ખાતર અને મજૂરોને અવરજવર કરવા માટે ખાસ જરૂરીયાત છે. જેથી પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને અન્ય સંક્રમિત ગામ સિવાયના વિસ્તારના સાત તાલુકાઓને રેડ ઝોન માંથી મુક્તિ આપવા માટે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ગોપાલભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ગૃહરાજ્ય મંત્રીને આવેદનપત્રના માધ્યમથી રજુઆત કરેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી