પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠામાં વધઘટ વોલ્ટેજનાં ગંભીર પ્રશ્નોના કારણે ભારે રોષ ફેલાયો છે. અવારનવાર રજુઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા આખરે ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રહીશો દ્વારા પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખને રજુઆત કરી હતી. એકબાજુ સમગ્ર દેશમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે જનજીવન ઉપર ભારે અસર વર્તાય રહી છે. લોકડાઉનની પરિસ્થિતિના કારણે દરેક લોકો ઘરમાં રહેવા માટે મજબૂર છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક વીજ તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા અને અવારનવાર વીજ પુરવઠામાં વધઘટ વોલ્ટેજ કરતા ભારે રોષની લાગણી વ્યાપી છે. ગોધરા સહિત વાવડીબુઝગ વિસ્તારમાં આવેલી પ્રભારોડ, દડી કોલોની મીરાણી હોસ્પિટલ ગોધરાપાર્ક સોસાયટી, ઘરડાઘર વિસ્તાર, પુષ્પક એપાર્ટમેન્ટ, હનુમાનજી મંદિર, અને તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓ, તેમજ જાફરાબાદ, વાવડીબૂઝગ ગદૂક્પુર દયાળ, લીલેસરા જેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રાત્રી દરમિયાન વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેથી બંધ વીજ પુરવઠામાં વધઘટ વોલ્ટેજનાં ગંભીર પ્રશ્નોના કારણે વીજ ઉપકરણો જેવા કે પંખા, એસી, કૂલર, કોમ્પ્યુટર, તથા અન્ય ઉપકરણોમાં ભારે નુકસાન થાય છે આથી પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા ગાંધીનગર ઉર્જા વિભાગના અગ્રસચિવને આવેદનપત્રનાં માધ્યમથી રજૂઆત કરી હતી કે કોરોનાની વૈશ્વિક સમસ્યા અને લોકડાઉનની પરિસ્થિતિમાં જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી રહી છે ત્યારે ઉનાળાના દિવસોમાં અને ૪૦ ડીગ્રી સુધી તાપમાનમાં વીજ તંત્ર દ્વારા ડીપીઓમાં ઓવરલોડ વધવા તથા ડીપીઓના જરૂરી મેન્ટેનન્સના અભાવને કારણે રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેથી ઘરમાં રહેલા વીજ ઉપકરણો વધઘટ વોલ્ટેજના કારણે ભારે નુકસાન થાય છે. આથી ગોધરા શહેરના સ્થાનિક રહીશોને લોકડાઉનની પરિસ્થિતિમાં અને બંધ વીજ પુરવઠાનાં કારણે ઘરની બહાર ઓટલા ઉપર બેસવાની નોબત આવી છે. આવી સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉભી થવા પામી છે આથી લાગતા વળગતા તંત્ર દ્વારા ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠામાં વધઘટ વોલ્ટેજનાં ગંભીર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ ગાંધીનગરના ઉર્જા વિભાગના અગ્રસચિવને રજુઆત કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી