કોરોના વિષયક કામગીરી દરમિયાન આરોગ્યકર્મીઓ, પોલિસ સહિતના સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારા તેમજ હુમલો કરનાર વ્યક્તિઓ સામે સખતમાં સખત પગલા લેવાની સરકારે જાહેરાત કરી છે. આવા જ એક કિસ્સામાં પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કોવિડ-19 ને લગતી કાર્યવાહી દરમિયાન પોલીસ અને માર્ગ-મકાન વિભાગની ટીમ પર હુમલો કરનારા અસામાજિક તત્વો પૈકી ત્રણની પાસા હેઠળ અટકાયત કરીને સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવાનો જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ગોધરા શહેરમાં સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને શહેરના વોર્ડ નંબર 3, 6 અને 9 ને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કરવાની થતી કામગીરી અનુસાર તા.30/04/2020 ના રોજ માર્ગ અને મકાન વિભાગની ટીમ પોલીસની ટીમ સાથે રાખીને જાહેર રસ્તાઓને બેરિકેડ કરવાની કામગીરી કરી રહી હતી.અમુક અસામાજિક તત્વોએ અન્ય લોકોની ઉશ્કેરણી કરીને બેરિકેડિંગની કામગીરી કરતા સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કરી ગાળો બોલી ફરજ બજાવતા અટકાવ્યા હતા. જે બદલ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને હુમલાખોરોની અટકાયત કરવામાં આવી હતી. કોરોના વોરિયર્સ પર પથ્થરમારાના આ ઘટનાને અતિગંભીરતાથી લઈને મુખ્ય ત્રણ આરોપીઓને પાસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિઓના કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને સુરતના લાજપોર ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પથ્થરમારાનાં આરોપી એક મહિલાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી