કહેવાય છે કે જરૂરિયાત સંશોધનોની માતા છે. નોવેલ કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લોક ડાઉન અમલમાં છે, ત્યારે દૈનિક જીવનની વિવિધ પ્રવૃતિઓને નવતર અભિગમો અને પ્રયોગો દ્વારા ચાલુ રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કોરોના સંક્રમણના ભયના કારણે શાળા અને શૈક્ષણિક સંસ્થાનોમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસનો મહાવરો ન છૂટે અને લોક ડાઉનના લીધે મળેલ ફાજલ સમયનો સદુપયોગ કરવા અંગે માર્ગદર્શન આપી શકાય તે માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળામાં એક મૌલિક અને રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આ પ્રયોગ વિશે વાત કરતા શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ જણાવે છે કે લોક ડાઉનના કારણે શાળામાં શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસનો મહાવરો છૂટી જવાનો ભય હતો. આ ઉપરાંત બાળકોની પરીક્ષા લેવાય તે પહેલા જ લોક ડાઉન શરૂ થતા પરીક્ષા માટે તૈયારી કરનારા ઘણા વિદ્યાર્થીઓ નિરાશ પણ થયા હતા. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અમે વિદ્યાર્થીઓ ઘેર બેઠા અમારી સાથે જોડાઈને સંવાદ કરી શકે, માર્ગદર્શન મેળવી શકે તેવી શક્યતાઓ ચકાસી રહ્યા હતા. ઝૂમ એપ્લીકેશનની મદદથી વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછી ઝૂમ એપની બાબતમાં પ્રશ્નો ઉઠતા તે વિચાર પડતો મૂક્યો. ત્યારબાદ અન્ય ઓપ્શન સામે આવ્યો, માઈક્રોસોફ્ટ ટીમ એપ્લીકેશનનો. આ એપ્લીકેશન અમે શિક્ષણ વિભાગના અધિકારીઓ વહીવટી સહિતની બાબતો અંગે મિટીંગ કરવા માટે વાપરીએ છીએ. જે માટે ગાંધીનગર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેલ દ્વારા દરેક શાળાને એક આઈડી બનાવી બનાવી આપવામાં આવ્યું છે. આવા વધુ આઈડી મળે તો બાળકોને પણ આ એપ પ્લેટફોર્મના માધ્યમથી એક વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડીને વિવિધ પ્રવૃતિઓ કરાવી શકાય. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેલ દ્વારા આ વિચારને વધાવી લેવામાં આવ્યો. નવા નદીસર ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. જો આ પ્રયોગ અહીં સફળ થાય તો રાજ્યની અન્ય શાળાઓમાં પણ આ પ્રકારનું પ્લેટફોર્મ પૂરુ પાડી શકાય તેમ વિચારી નવા નદીસર પ્રાથમિક શાળાને 308 જેટલા આઈડી જનરેટ કરીને આપવામાં આવ્યા. છેલ્લા 7 દિવસથી આ એપ પ્લેટફોર્મનો ઉપયોગ વિદ્યાર્થીઓને હાલ ચાલી રહેલી પરીક્ષાઓ, અભ્યાસક્રમ, પ્રશ્નોની ચર્ચા કરવા માટે કરાઈ રહ્યો છે. શાળાના અન્ય શિક્ષક ગોપાલભાઈ પટેલ આ વિશે વધુ માહિતી આપતા જણાવે છે કે હાલમાં 45 જેટલા વાલીઓએ આ એપ ઈન્સ્ટોલ કરી છે અને અંદાજિત 110 થી 120 જેટલા વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મનો લાભ લઈ શિક્ષકો સાથે જોડાઈ રહ્યા છે. હિન્દીના શિક્ષક શાંતિલાલભાઈ જણાવે છે કે હાલમાં સરકાર દ્વારા થયેલા પરિપત્ર અનુસાર વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રોની નકલ તેમજ પૂરવણી ઘેરબેઠા પહોંચાડવામાં આવી છે. શાળા દ્વારા કરાયેલ આયોજન અનુસાર વિદ્યાર્થીઓ રોજ સવારે 9:30: થી 1:00 પેપર લખી રહ્યા છે. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષાની તૈયારી ખૂબ ખંતપૂર્વક કરી હતી જેથી પરીક્ષા જેવો માહોલ લાગે તે માટે રોજ સાંજે 5:30 થી 7:30 તેમની સાથે આગામી પરીક્ષા, પ્રશ્નપત્ર, સિલેબસ, ઉત્તરો લખવાની શૈલી સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે.
રાકેશભાઈએ જણાવે છે કે કોરોના સંકટને કારણે લોક ડાઉન લંબાય કે શાળાઓ બંધ રાખવી પડે તો આ એપનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ ચાલુ રાખી શકાય છે. શાળાઓમાં ચાલતા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગતના ઓડિયો-વિઝ્યુઅલ સ્વરૂપમાં રહેલ શૈક્ષણિક મટીરીયલનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય તેમ છે. આ પ્લેટફોર્મ પર શિક્ષક બાળકો સાથે સંવાદ કરી રહ્યા હોય ત્યારે કુલ કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે તેનું પણ ધ્યાન રાખી શકાય છે. બાળકો તેમને મૂંઝવતા પ્રશ્નો તેમજ શંકાનું નિવારણ મેળવી શકે છે. રાકેશભાઈ જણાવે છે કે આ પહેલનો હેતુ માત્ર માર્ગદર્શન આપવાનો નહીં પરંતુ બાળકો સાથે અને બાળકોનો અભ્યાસ સાથે સંપર્ક જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો તેમજ માતા-પિતાને પણ આ શૈક્ષણિક ક્રિયામાં જોડવાનો હતો. રાકેશભાઈ જણાવે છે કે ફોનનો આવી રીતે વિધાયક ઉપયોગ જોતા કેટલાક વાલીઓએ લોક ડાઉન સમાપ્ત થાય તો નવો ફોન લઈ લેવા પણ તૈયારી દાખવી છે. ધોરણ-08 નો વિદ્યાર્થી અમરદીપ માછી જણાવે છે કે અમે આ રીતે મોબાઈલ એપના માધ્યમથી હાલ લોક ડાઉનમાં શાળાઓ ગયા વગર શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકીએ છીએ. પરીક્ષા અને આવતા દિવસના પેપર વિશે તો શિક્ષકો માર્ગદર્શન આપે જ છે પરંતુ સાથે હાલમાં ઓનલાઈન યોજાઈ રહેલી કાવ્ય, ચિત્ર અને નિબંધ સ્પર્ધા વિશે પણ દોરવણી આપે છે. વિદ્યાર્થીઓ લોક ડાઉનના સમયમાં શિક્ષકો પાસેથી આ રીતે માત્ર અભ્યાસને લગતી બાબતો જ નહીં પરંતુ વાર્તા, કવિતાઓ, ઉખાણાઓ, જાણવા જેવું જેવી બાબતોનો પણ આનંદ મેળવે છે. આ ઉપરાંત, જે બાળકોના ઘરે સ્માર્ટ ફોન ઉપલબ્ધ નથી તેમના શિક્ષકો તેમને ફોન કરીને અભ્યાસને લગતી તેમજ અભ્યાસેતર બાબતો અંગે પૂછપરછ કરી તેમની કુશળતાની દરકાર કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી