પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 નો એક પણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં સંક્રમણને આગળ વધતુ અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે આવતીકાલથી લોક ડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે.ત્યારે જિલ્લાની ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવશ્યક સેવાઓ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના દુકાનો-ઓફિસો-ઉદ્યોગો શરૂ કરવા પરના પ્રતિબંધ યથાવત રહેશે. સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક કે યોગ્ય કાપડની મદદથી મોં-નાક ઢાંક્યા વગર ફરવા બદલ ગુનો દાખલ કરવામાં આવશે. સંક્રમણને આગળ વધતુ અટકાવવા ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટીંગ ઝડપી બનાવવા ઉપરાંત વધુ લોકોના સંપર્કમાં આવતા લોકો જેવા કે ફેરિયા, દુકાનદારો, આરોગ્યકર્મીઓ, પોલિસનું મેડિકલ સ્ક્રીનીંગ કરી સેમ્પલ લઈ પરીક્ષણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં પ્રતિદિન 70 થી 80 સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાઈ રહ્યા છે. ગઈકાલે જિલ્લામાંથી 86 સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધી કુલ 631 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોરોના રિસ્ક મેનેજમેન્ટ કાર્યક્રમ હેઠળ સંક્રમણથી વધુ જોખમ ધરાવતા સિનિયર સિટીઝન્સ અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓનો સર્વે કરી તેઓનું સંક્રમણ સામે સુરક્ષા ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ જિલ્લામાં 516 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જ્યારે કુલ 11 દર્દીઓ કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં નિરીક્ષણ હેઠળ છે. કોરોના પોઝિટીવ દર્દીઓ સાથે સંપર્કમાં આવનારા 33 જેટલા આરોગ્યકર્મીઓને અત્યાર સુધી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા, જે પૈકીના 28 જેટલા વ્યક્તિઓએ તેમનો ક્વોરેન્ટાઈન પૂર્ણ કરીને, ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ફરી ફરજ પર હાજર થઈ ગયા છે. આ ઉપરાંત, આરોગ્યકર્મીઓને સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે એક ટીમ દ્વારા સંક્રમણ સામે સુરક્ષાના માપદંડોનું પાલન કરાઈ રહ્યું છે કે કેમ તે બાબત સુનિશ્ચિત કરાઈ રહી છે. સંક્રમણના કેસો વધે તો સ્થિતિને પહોંચી વળવા માટે તાજપુરા ખાતેની શ્રી નારાયણ આઈ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં વધુ 100 બેડ ઉમેરવામાં આવશે. હાલમાં આ હોસ્પિટલમાં 100 બેડ અને 10 બેડ આઈસીયુની સુવિધા છે. આ ઉપરાંત, ગોધરા સિવિલ ખાતે તાકીદે એક ફિઝીશયન, 50 નર્સીસ અને 7 મેડિકલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓ ધરાવતા કુલ 19 પ્રભાવિત ક્લસ્ટરની ઓળખ કરાઈ છે, જે પૈકી 18 ક્લસ્ટર ગોધરા શહેરમાં અને 1 ક્લસ્ટર હાલોલમાં છે. હરીક્રિષ્ના સોસાયટી, અલંકાર સોસાયટી-અંકલેશ્વર મહાદેવ, ગાયત્રીનગર સોસાયટી-ખાડી ફળિયા, જૈન દેરાસર, મજાવર રોડ-ઈકબાલ ગર્લ્સ સ્કૂલની પાછળ, સલામત સોસાયટી, બ્રહ્મા સોસાયટી, મહેશ્વરી સોસાયટી તેમજ પિંજારાવાડ નવા ઉમેરાયેલા પ્રભાવિત ક્લસ્ટર છે. આ પ્રભાવિત કલસ્ટરના કુલ 1926 ઘરોના 8071 લોકોનો સઘન મેડિકલ સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગોધરાના વોર્ડ નં-3, 6 અને 9નાં સંપૂર્ણ વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને થયેલ પોલિસ કામગીરીમાં લોકડાઉન વાયોલેશન બદલ કુલ 1451 એફ.આર.આઈ તથા ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આર.આઈ. નોંધવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ 02 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને કુલ 119 એફ.આઈ.આર. કરવામાં આવી છે. આ ઉપરાંત, લોક ડાઉનના સમયગાળા દરમિયાન કુલ 4768 જેટલા વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ કુલ રૂ.4,87,400/-નો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે લોક ડાઉનના બીજા તબક્કામાં જાહેરમાં થૂંકવા બદલ 487 ગ્રામપંચાયતો દ્વારા રૂ.43,000/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી