પંચમહાલ જિલ્લામાં કોરોના સામેના જંગમાં એક સારા સમાચાર આવ્યા છે. ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓના 24 કલાકની અંદર બે રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ હતી. સીડીએમઓ શ્રી મહેશ પી. સાગરે જણાવ્યું હતું કે તા.15.04.2020ના રોજ ગોધરા કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયેલ રબ્બાની મહોલ્લાના 31 વર્ષીય યુવક અને તા.17.04.2020ના રોજ દાખલ કરાયેલ સિવિલના સ્ટાફ નર્સના 24 કલાકની અંદર 2 રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોરોના મુક્ત જાહેર કરી રજા આપવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં કોરોના મુક્ત થનારા આ પ્રથમ બે કેસો છે. કોરોનાને માત આપનારા ગોધરાના આ યોદ્ધાઓ જેવા કોવિડ-19 સેન્ટરના પગથિયાઓ ઉતર્યા કે સીડીએમઓશ્રી, આરએમઓશ્રી, સિવિલ અને કોવિડ-19ના ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફે તેમને તાળીઓના ગડગડાટ અને હર્ષનાદોથી વધાવી લીધા હતા. જિલ્લામાં કોવિડ-19ના ચોથા પેશન્ટ તરીકે દાખલ થનારા રબ્બાની મહોલ્લા, વેજલપુર રોડના 31 વર્ષીય યુવાને કોવિડ-19ના ડોક્ટર્સ અને સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે જ્યારે મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 15 મી એપ્રિલે અહીં દાખલ થયો તો અત્યંત ગભરાયેલો હતો. પરંતુ ડોક્ટર્સ અને સ્ટાફના સહકાર અને ધરપતથી મને લાગ્યું કે હું આ રોગમાંથી સાજો થઈ શકીશ. અહીં સ્ટાફ અને ડોક્ટર્સનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે.ચેપ લાગવાના જોખમ છતા અમારા ચેકઅપ માટે સતત તેઓ રાઉન્ડમાં આવતા હતા. અલ્લાહનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે સારી સારવાર, સતત સંભાળ અને હકારાત્મક વાતાવરણને કારણે જે હું આ ધાતક રોગમાંથી બહાર આવી શક્યો છું. સિવિલ સર્જન અને જિલ્લા મુખ્ય તબીબી અધિકારીશ્રી એમ.પી. સાગરે જણાવ્યું હતું કે અમારૂ લક્ષ્ય દર્દીઓને ઉત્તમ સારવાર અને પોષણયુક્ત આહારની સાથે સતત એક હકારાત્મક વાતાવરણ પૂરુ પાડવા તરફ હતું, જેથી વાયરસ સામે લડવામાં શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સતત વધારો થાય. જ્યાં સુધી દાખલ તમામ દર્દીઓ કોરોના મુક્ત ન થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે પરંતુ આ બે દર્દીઓ કોરોના મુક્ત થવાથી ડોક્ટર્સ અને સ્ટાફની અવિરત મહેનતનું એક વિધાયક ફળ મળ્યું હોવાનો આનંદ છે તેમ તેમણે ઉમેર્યું હતું. બાદમાં બંને દર્દીઓ ઘરે જતા ઘરે પણ તેમનું રહીશો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બંને દર્દીઓએ હવે 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન રહેવાનું રહેશે. બે દર્દીઓ કોરોના મુક્ત થયાના સમાચાર સમગ્ર ગોધરા સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં નવા ઉત્સાહનો સંચાર કરનારા બની રહ્યા હતા. ડોક્ટર્સની સાથે બંને દર્દીઓ જેવા કેમ્પસમાં નીકળ્યા કે સિવિલના હોસ્પિટલના સ્ટાફ દ્વારા સ્વયંભુ રીતે હમ હોંગે કામિયાબ..ગીતનું ગાન શરૂ થયું હતું. આ ગીત જાણે કોવિડ-19થી લોકોનું રક્ષણ કરવા માટેના આરોગ્યકર્મીઓ અને ડોક્ટર્સના દ્રઢ સંકલ્પને પ્રતિબિંબિત કરનારું બની રહ્યું હતું. કોરોનાને માત આપનારા આ બંને યોદ્ધાઓ પણ બધાનો આવો ઉત્સાહ અને આનંદ જોઈ ભાવુક થયા હતા. સિવિલ હોસ્પિટલમાં 11 દર્દીઓ હજી કોરોનાની સારવાર માટે દાખલ છે. આજનો દિવસ આ દર્દીઓમાં પણ એક નવી આશા અને હિંમતનો સંચાર કરનારો બની રહ્યો છે.
પંચમહાલ, રાજુ સોલંકી