પંચમહાલ જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ સામે આવતા કુલ કેસોની સંખ્યા 16 થવા પામી છે. જિલ્લામાં કુલ 14 કેસો સક્રિય છે. જ્યારે 2 વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગઈ કાલે કુલ 4 વ્યક્તિઓના કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા. ગોધરા શહેરના શહેરા ભાગોળ, અબરાર મસ્જિદ વિસ્તાર, પોલન બજાર અને ખાડી ફળિયામાંથી કોરોના સંક્રમણના કેસો મળી આવ્યા હતા. પોલન બજાર અને ખાડી ફળિયામાંથી પ્રથમ કેસ મળી આવતા શહેરના કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા વધીને 9 થઈ છે. અત્યાર સુધી રબ્બાની મહોલ્લા, ભગવતનગર, અબરાર મસ્જિદ વિસ્તાર, મદની મહોલ્લા, વાવડી બુઝર્ગ, ઝુલેલાલ સોસાયટી, શહેરા ભાગોળ, પોલન બજાર અને ખાડી ફળિયા વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળી આવ્યા છે. કાલે મળી આવેલ ચારેય કેસની કોન્ટેક્ટ હિસ્ટરી મેળવી સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવા કુલ 555 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરીને તેમની દિવસમાં બે વાર આરોગ્ય તપાસ કરાઈ રહી છે. કાલે મળી આવેલ ચારેય કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. અબરાર મસ્જિદમાંથી મળી આવેલ કોરોના પોઝિટીવ મહિલાના પતિ કોરોના સંક્રમણની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીના બધા લોકલ સંક્રમણનો ભોગ બન્યા છે. ગોધરા સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 7 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. 5 દર્દીઓ વડોદરા ગોત્રી ખાતેની હોસ્પિટલમાં જ્યારે 2 વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 4 વ્યક્તિઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 190 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 16 સેમ્પલ પોઝિટીવ રહ્યા છે. જ્યારે 131 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. 20 સેમ્પલનું પરિણામ આવવાનું હજી બાકી છે. જ્યારે 23 સેમ્પલ રીપીટ હતા. ગોધરામાં હવે શહેરના તમામ શાકભાજીવિક્રેતાઓ, કરિયાણા વિક્રેતાઓ, કેમિસ્ટોનું થર્મલ સ્કેનિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના મોટી ઉંમર ધરાવતા વ્યક્તિઓને વધુ જોખમ હોવાથી તેમનું પણ સ્કેનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં પણ મુલાકાતીઓ અને કર્મચારીઓનું સ્ક્રિનીંગ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી