કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અંગે અયોગ્ય ટિપ્પણી કરનાર રિપબ્લિક ભારતના અરનબ ગોસ્વામી વિરુદ્ધ ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ પોતાના જીવનકાળમાં અનેક સંઘર્ષોનો સામનો કરનાર A.I.C.C પ્રમુખ શ્રીમતિ સોનિયા ગાંધી જેવા સંનિષ્ઠ મહિલાનું અપમાન જનક ટિપ્પણી કરનાર અરનબ ગોસ્વામી સામે ગંભીર પગલાં ભરવાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી અને ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રધ્યુમનસિંહ પરમાર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ફરિયાદ દાખલ કરી જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગ કરેલ હતી. પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ જણાવ્યું કે, હાલમાં દેશ કોરોનાની મહામારી વચ્ચે લડત લડી રહ્યો છે. આવા સમયે લોકોની સાથે રહેવાને બદલે ક્યાંકને ક્યાંક લોકોની ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવા માટે અને કોંગ્રેસ પક્ષના નેતાઓને બદનામ કરવા માટે જે રીતે રિપબ્લિક ટીવીના અરનબ ગોસ્વામી જે ઉચ્ચારણો કરવામાં આવ્યાં છે, હું માનુ છું કે તે નિંદનીય છે. અરનબ ગોસ્વામી જેવા લોકોએ ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને બદનામ કરવાના પ્રયત્નો કરાયો છે. જેથી તેની સામે ચોક્ક્સ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. આવા લોકોના ભાષણ તેમજ ઉચ્ચારણો દેશને તોડવા વાળા છે. જેથી આવા લોકોની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી અને ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રધ્યુમનસિંહ પરમાર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ફરિયાદ નોંધાવી છે.
પંચમહાલ રાજુ સોલંકી